27 October, 2024 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિત ઠાકરે
માહિમ વિધાનસભાની બેઠક પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની ઉમેદવારી જાહેર કરવામાં આવ્યા બાદ અહીંથી શિંદેસેના વતી અહીંના અત્યારના વિધાનસભ્ય સદા સરવણકરને ફરી ઉમેદવારી આપવામાં આવી હતી. એ પછી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)એ મહેશ સાવંતને આ બેઠકની ઉમેદવારી જાહેર કરી હતી. માહિમ બેઠક પર મહાયુતિ, મહા વિકાસ આઘાડી અને MNSનો ત્રિપાંખિયો જંગ થશે એ નક્કી થઈ ગયું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારે આ બેઠક પર મહાયુતિનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હોવા છતાં અમિત ઠાકરેને સમર્થન આપવાનું વિચિત્ર નિવેદન આપ્યું હતું.
આશિષ શેલારે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે ‘અમિત ઠાકરેને સમર્થન આપવાની ભૂમિકા લેવી જોઈએ એવું મને લાગે છે. આ બાબતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે હું વાત કરીશ. તેઓ આ સંબંધે નિર્ણય લેશે. આમ કરવામાં મહાયુતિમાં કોઈ પણ પ્રકારનો મતભેદ ન હોવા છતાં આનાથી એક જુદી પદ્ધતિની મહારાષ્ટ્રમાં સંસ્કૃતિ શરૂ થશે. મહાયુતિના સદા સરવણકરની ઉમેદવારીનો અમારો વિરોધ નથી. મહાયુતિ તરીકે નિર્ણય લેવો જોઈએ એવું મારું માનવું છે.’ શિંદેસેનાના ઉદય સામંતે આ વિશે કહ્યું હતું કે ‘આશિષ શેલારની ભૂમિકા BJPની હોઈ શકે, પણ આ બાબતે મહાયુતિમાં સામેલ ત્રણેય પક્ષના વરિષ્ઠ નેતાઓ ચર્ચા કરશે. રાજ ઠાકરેનો પુત્ર પહેલી વખત ચૂંટણી લડી રહ્યો છે ત્યારે એનો નિર્ણય મહાયુતિ લેશે.’