08 June, 2023 10:42 AM IST | Mumbai | Samiullah Khan
પાંચમી જૂને યુવતીના ઘરની બહાર રાજન કશ્યપની ક્લિપનો વિડિયો ગ્રૅબ
અંધેરીમાં રહેતા એક પરિવારનો દાવો છે કે તેમની દીકરીને પરેશાન કરનાર યુવકને કારણે છેલ્લાં પાંચ વર્ષથી તેમનું જીવન દોજખ બની ગયું છે. આરોપી રાજન કશ્યપના વર્તનને લઈને પરિવારે મુંબઈ પોલીસનું વારંવાર ધ્યાન દોર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજન કશ્યપની ૨૦૨૦માં ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. દોઢ વર્ષ સુધી જેલની સજા ભોગવીને બહાર આવ્યાના એક દિવસ બાદ સોમવારે તે આ પરિવારના ઘરે પહોંચી ગયો હતો તેમ જ બળજબરીપૂર્વક ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરિવારના જણાવ્યા પ્રમાણે તે ૨૩ વર્ષની યુવતીના નામની બૂમો રસ્તા પર ઊભા રહીને પાડતો હતો. યુવતી ૧૮ વર્ષની હતી ત્યારથી આ યુવક તેના એકતરફી પ્રેમમાં ગાંડો થયો છે.
યુવતીના પપ્પાએ કહ્યું હતું કે ‘મારી દીકરીને તે સતત હેરાન કરતો હતો તેમ જ તેનો પીછો કરતો હતો. અમે ૨૦૧૮થી ૨૦૨૦ દરમ્યાન તેની સામે ચાર એફઆઇઆર અને છ જેટલી એનસી આંબોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યાં છે. ચોથી જૂને તે જેલમાંથી છૂટ્યો હતો અને બીજા જ દિવસે રસ્તા પર ઊભા રહીને મારી દીકરીના નામની બૂમો પાડવા લાગ્યો હતો. તે પહેલાં બિલ્ડિંગની પાસે આવેલા સ્ટુડિયોમાં પટાવાળા તરીકે કામ કરતો હતો. દીકરી કૉલેજમાં જતી અને પાછી આવતી ત્યારે તે તેને હેરાન કરતો હતો અને તેનો પીછો કરતો હતો. પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી ત્યાર બાદ તે અમારા ઘરે આવીને ધાંધલ-ધમાલ મચાવતો. તેને સજા થતાં અમે રાહત અનુભવી હતી, પરંતુ હવે તે પાછો આવીને ફરી જૂની હરકતો કરવા લાગ્યો છે. મેં મારી પત્ની અને દીકરીને મારા સબંધીને ત્યાં મોકલી આપ્યાં છે.’
યુવતીના કાકા તેને પકડીને આંબોલી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા, પરંતુ બાદમાં તેને છોડી મૂકવામાં આવ્યો હતો. તેના પપ્પાએ કહ્યું હતું કે ‘મેં પોલીસને આ માનસિક અને શારીરિક ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે વિનંતી કરી છે. પોલીસ કમિશનરને પત્ર પણ લખી રહ્યો છું.’
તેમના પાડોશી કુશલ ધુરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં મુંબઈ પોલીસ, મુખ્ય પ્રધાન અને ડેપ્યુટી સીએમને કશ્યપનો વિડિયો ટ્વીટ કર્યો છે. આરોપી ઉગ્ર સ્વભાવનો છે તેમ જ યુવતી અને તેના પરિવારને નુકસાન પહોંચાડવા ગમે એ હદે જઈ શકે છે એટલે સમયસર પગલાં લેવાં જરૂરી છે. મેં મુંબઈ પોલીસના જૉઇન્ટ કમિશનર સત્યનારાયણ ચૌધરી સાથે વાત કરી તો તેમણે આ મામલે આરોપી સામે આકરાં પગલાં લેવાની ખાતરી આપી હતી.’