મોન્સુનની મજા, દરિયાનાં મસમોટાં મોજાંનો આનંદ

25 July, 2024 09:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકોએ સુસવાટાભર્યા પવનની મજા લોકોએ મરીન ડ્રાઇવની પાળ પર અને ગેટવે ઑફ ઇન્ડિયા પર પણ માણી હતી.

તસવીર - શાદાબ ખાન, અતુલ કાંબળે

ગઈ કાલે મરીન ડ્રાઇવ પર કોસ્ટલ રોડમાં દાખલ થતાં વાહનોમાંથી લોકોને દરિયાનાં મસમોટાં મોજાંનો આનંદ માણવા મળ્યો હતો. ઊછળતાં મોજાંની અને સુસવાટાભર્યા પવનની મજા લોકોએ મરીન ડ્રાઇવની પાળ પર અને ગેટવે ઑફ ઇન્ડિયા પર પણ માણી હતી.

જોગેશ્વરીમાં બહુમાળી બિલ્ડિંગમાં આગના ધુમાડાથી વૃદ્ધ સહિત ૪ જણને ગૂંગળામણ

જોગેશ્વરીમાં સ્વામી વિવેકાનંદ રોડ પર આવેલી ૨૦ માળની ઈ હાઈ ટાવર બિલ્ડિંગમાં ગઈ કાલે સવારે ૯ વાગ્યે ૧૫થી ૨૦મા માળની વચ્ચે ઇલેક્ટ્રિકલ કેબલમાં લાગેલી આગના ધુમાડાથી ૭૧ વર્ષના એક સિનિયર સિટિઝન સહિત ૪ જણને શ્વાસ લેવામાં ગૂંગળામણ થતાં તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે ફાયર એન્જિનોએ આગ બુઝાવી દીધી હતી. હૉસ્પિટલમાંથી સિનિયર સિટિઝનને રજા આપવામાં આવી છે, પણ ત્રણ જણ પર હજી ઉપચાર ચાલુ છે. આગનું કારણ જાણવા મળ્યું નથી.

ઓવરહેડ વાયર પર બામ્બુ પડતાં સેન્ટ્રલ રેલવે પોણો કલાક અટવાઈ

સેન્ટ્રલ રેલવેમાં ટ્રૅક પાસેની બાંધકામ-સાઇટ પરથી ગઈ કાલે સવારના ઓવરહેડ વાયર પર બામ્બુ પડવાને લીધે ફાસ્ટ લોકલ અને બહારગામની ટ્રેનો પોણો કલાક અટવાઈ ગઈ હતી. રેલવેના અધિકારીના જણાવ્યા મુજબ સેન્ટ્રલ રેલવેમાં સાયન અને માટુંગા વચ્ચે ટ્રૅકને અડીને આવેલી બાંધકામ-સાઇટ પરથી બામ્બુ પડ્યા હતા જેને લીધે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) તરફ જતી ફાસ્ટ ટ્રૅક પરની લોકલ ટ્રેનોની સાથે હાવડા-CSMT ટ્રેન અટકી ગઈ હતી. લગભગ પોણો કલાક ટ્રેન અટવાઈ જતાં લોકો ટ્રેનમાંથી ઊતરીને રેલવે-ટ્રૅક પર ચાલવા લાગ્યા હતા. ટ્રેનો અટવાઈ હોવાની જાણ થતાં રેલવે વિભાગના તંત્રે ઘટનાસ્થળે પહોંચીને ઓવરહેડ વાયર પરથી બામ્બુ હટાવ્યા હતા. 

mumbai news mumbai Mumbai Coastal Road marine drive jogeshwari central railway gateway of india