અતિક્રમણનો મુદ્દો બુલડોઝર વિના પણ વધુ સારી રીતે ઉકેલી શકાય : હાઈ કોર્ટ

14 February, 2023 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોર્ટે કહ્યું હતું કે આ એક ગંભીર સમસ્યા છે અને મનમાં ધારી લઈને કોઈને ઘૂસણખોર ગણાવવા અને ઘરમાંથી બહાર કાઢી મૂકવા એ યોગ્ય નથી

ફાઇલ તસવીર

લોકોને ઘૂસણખોર ગણાવી તેમને એ જગ્યામાંથી હાંકી કાઢવા એ કોઈ ઉકેલ નથી. આ સમસ્યાને બુલડોઝરના ઉપયોગ વિના પણ વધુ સારી રીતે સૂલઝાવી શકાય છે, એમ જણાવતાં બૉમ્બે હાઈ કોર્ટે પશ્ચિમ રેલવે, મુંબઈ સુધરાઈ અને એમએમઆરડીએને કોઈ વધુ સારી પુનર્વસન નીતિ હોય તો એ વિશે જણાવવા કહ્યું હતું.

જસ્ટિસ ગૌતમ પટેલ અને નીલા ગોખલેની વિભાગીય બેન્ચ આઠમી ફેબ્રુઆરીએ  મુંબઈસ્થિત એકતા વેલ્ફેર સોસાયટી દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનની સુનાવણી કરી રહી હતી. આ અરજી મુજબ રેલવે અધિકારીઓ તરફથી રેલવેની મિલકત પર અતિક્રમણ કરનારી ઇમારતોમાં રહેતા લોકોને તેમનાં ઘર ખાલી કરવા તથા ઇમારતનું ડિમોલિશન કરવા ફટકારેલી નોટિસને પડકારવામાં આવી હતી.

કોર્ટે કહ્યું હતું કે આ એક ગંભીર સમસ્યા છે અને મનમાં ધારી લઈને કોઈને ઘૂસણખોર ગણાવવા અને ઘરમાંથી બહાર કાઢી મૂકવા એ યોગ્ય નથી. પશ્ચિમ રેલવેએ કોર્ટને જણાવ્યું હતું કે એણે ૭ ફેબ્રુઆરી સુધીમાં ૧૦૧ અનધિકૃત બાંધકામ તોડી પાડ્યાં છે.

કોર્ટે એના આદેશમાં જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે અને અન્ય સત્તાવાળાઓએ ડિસેમ્બર ૨૦૨૧માં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કર્યું નહોતું, જે મુજબ બાંધકામોને ખાલી કરાવવા અને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં સંબંધિત સત્તાવાળાઓએ પુનર્વસનની વિચારણા માટે ત્યાંના રહેવાસીઓની ઓળખ અને બીજા રેકૉર્ડની ખાતરી કરવી જોઈએ.

mumbai mumbai news bombay high court