29 June, 2021 01:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રદીપ શર્મા
સ્પેશ્યલ એનઆઇએ અદાલતે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન નજીક મળી આવેલ વિસ્ફોટક ભરેલ વાહન અને બિઝનેસમૅન મનસુખ હિરણની હત્યાના કેસમાં ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પ્રદીપ શર્માને સોમવારે ૧૨ જુલાઈ સુધી જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
અદાલતે અન્ય બે આરોપીઓ મનીષ સોની અને સતીષ મોઠુકરીની કસ્ટડી પણ લંબાવી હતી. નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ ૧૭ જૂનના રોજ સોની અને મોઠુકરી સાથે પ્રદીપ શર્માની ધરપકડ કરી હતી.
પ્રદીપ શર્માના વકીલ સુદીપ પાસબોલાએ અદાલતને જણાવ્યું હતું કે પ્રદીપ શર્મા ઘણા કેસના તપાસકર્તા અધિકારી રહી ચૂક્યા છે. ધરપકડ અગાઉ તેઓ પોલીસ રક્ષણ હેઠળ હતા, આથી તેમના પર જોખમ તોળાઈ રહ્યું છે.
એનઆઇએએ જવાબ આપ્યો હતો કે તે અરજીનો વિરોધ નથી કરતી, પણ અન્ડર ટ્રાયલ કેદીને કઈ જેલમાં રાખવો તેનો નિર્ણય જેલ ઑથોરિટી દ્વારા લેવાય છે.
સૂત્રોએ અગાઉ જણાવ્યા પ્રમાણે પ્રદીપ શર્માએ આ કેસમાં પુરાવાનો નાશ કરવામાં સચિન વઝેને કથિત મદદ પૂરી પાડી હતી અને કાવતરું ઘડવામાં અને પોતાના માણસોની મદદ લઈને હિરણની હત્યા કરવામાં પણ પ્રદીપ શર્માની સંડોવણી હતી.