22 December, 2024 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બુધવારે દરિયામાં ઊંધી વળી ગયેલી નીલકમલ નામની ફેરીને ગઈ કાલે ખેંચીને લઈ જતી ટગબોટનો ભાઉચા ધક્કા પરથી પાડેલો ફોટોગ્રાફ. (તસવીર: શાદાબ ખાન)
ગેટવે ઑફ ઇન્ડિયા પાસે દરિયામાં નીલકમલ બોટ ડૂબી રહી હતી ત્યારે હવે બચી નહીં શકાય એવું સમજીને અમુક પેરન્ટ્સે પોતાનાં બાળકોને આ ડૂબતી બોટમાંથી બચાવવા માટે દરિયામાં ફેંકવાનું નક્કી કર્યું હતું. જોકે એ સમયે ત્યાં પૅટ્રોલિંગ કરી રહેલા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ના મરીન કમાન્ડો સ્પીડબોટ લઈને પહોંચી ગયા હતા અને તેમણે પ્રવાસીઓને ગભરાઈને આવું પગલું ન લેવા સમજાવ્યા હતા.
CISFનો કૉન્સ્ટેબલ અમોલ સાવંત અને તેના બે સાથીઓ સૌથી પહેલાં ચાર વાગ્યે ત્યાં પહોંચી ગયા હતા. ત્યાં પહોંચીને તેમણે સૌથી પહેલું કામ બાળકોને બચાવવાનું કર્યું હતું. CISFના એક જવાને કહ્યું હતું કે ‘અમે ત્યાં પહોંચ્યા ત્યારે જોયું કે અમુક લોકો ડૂબતી બોટમાંથી પોતાનાં બાળકોને બચાવવા માટે તેમને દરિયામાં ફેંકવાની તૈયારી કરી રહ્યા હતા. મેં તેમને કહ્યું કે ગભરાઓ નહીં અને આવું નહીં કરો. ત્યાર બાદ અમે પરિસ્થિતિને કાબૂમાં કરી લીધી હતી. એ પછી અમને દેખાયું કે સાતેક બાળકો ગમે એમ કરીને બોટને પકડીને લટકી રહ્યાં છે તો સૌથી પહેલાં અમે તેમને બચાવીને અમારી બોટમાં લીધાં હતાં.’