26 August, 2024 08:30 AM IST | Mumbai | Rajendra B Aklekar
વિક્ટોરિયા ટર્મિનસ અને કુર્લા વચ્ચે દોડેલી પહેલી ઇલેક્ટ્રિક ટ્રેન.
મુંબઈની જીવાદોરી મનાતી ઇલેક્ટ્રિક લોકલ ટ્રેનોની સર્વિસને ૨૦૨૫ના ફેબ્રુઆરીમાં શતાબ્દી પૂર્ણ થશે અને રેલવેના રિટાયર્ડ અધિકારીઓ અને એન્જિનિયરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને આ પ્રસંગે ભવ્ય ઉજવણી કરવામાં આવે એવી ઇચ્છા વ્યક્ત કરી છે.
બીજી તરફ ભારતીય રેલવે પણ એના નેટવર્કનું ૧૦૦ ટકા ઇલેક્ટ્રિફિકેશન કરવાનું ધ્યેય સામે રાખીને કામ કરી રહી છે અને લેટેસ્ટ અહેવાલ મુજબ એના બ્રૉડગેજ ટ્રૅક-નેટવર્કમાં ૯૫ ટકા ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂરું થયું છે.
પહેલી ઇલેક્ટ્રિક ટ્રેન ક્યારે દોડી?
મુંબઈમાં ૧૯૨૫માં ૩ ફેબ્રુઆરી, મંગળવારે તત્કાલીન વિક્ટોરિયા ટર્મિનસ (VT) અને કુર્લા વચ્ચે ૧૬ કિલોમીટરના ટ્રૅક પર પહેલી ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવવામાં આવી હતી. બૉમ્બેના તત્કાલીન ગવર્નર સર લેસ્લી ઓરમ વિલ્સને (૧૯૨૩ના ડિસેમ્બરથી ૧૯૨૬ના માર્ચ સુધી બૉમ્બેના ગવર્નર) એનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ટ્રેન દોડાવવા માટે વીજળીનો પુરવઠો તાતા પાવરે પૂરો પાડ્યો હતો. તત્કાલીન ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલા રેલવે (GIPR)એ આ માટે કલ્યાણ પાસે આવેલા ઠાકુર્લીમાં ઇન-હાઉસ પાવર-જનરેટિંગ પ્લાન્ટ તૈયાર કર્યો હતો. ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવવા માટે તમામ ઉપકરણો ઇંગ્લૅન્ડથી આયાત કરવામાં આવ્યાં હતાં, માત્ર વીજળીપુરવઠો ભારતમાં પૂરો પાડવામાં આવ્યો હતો.
લોકલ ટ્રેનોની બૉડી લાકડામાંથી બનતી હતી
મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન (MRVC)ના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર અને રેલવેના પીઢ નિવૃત્ત અધિકારી ડૉ. પી. સી. સેહગલ ઇલેક્ટ્રિક ટ્રેનની પચાસ વર્ષની સફરના સાક્ષી છે. તેઓ ૧૯૭૦ના દાયકામાં રેલવેમાં નોકરીમાં જોડાયા હતા અને તેમના કહેવા મુજબ શરૂઆતમાં ઇલેક્ટ્રિક ટ્રેનોની બૉડી લાકડામાંથી બનાવવામાં આવી હતી અને વર્ષોવર્ષ એમાં સુધારા થયા છે અને એ સુધારા સારા માટે થયા છે. જૂની ૧૫૦૦ વોલ્ટ DCમાંથી ૨૫,૦૦૦ કિલોવોટની નવા ક્લાસની વાયોલેટ રંગની લોકલ ટ્રેનો શરૂ કરવામાં પી. સી. સેહગલનો મોટો ફાળો હતો. આ મુદ્દે તેમણે જાણકારી આપતાં કહ્યું હતું કે મુંબઈ જેવા દેશના આર્થિક પાટનગરમાં ઉપનગરીય ટ્રેન-સર્વિસ વિના જીવન શક્ય નથી. આથી જ એને મુંબઈની જીવાદોરી ગણવામાં આવે છે. છેલ્લાં ૧૦૦ વર્ષમાં એમાં વ્યાપક ટેક્નૉલૉજિકલ સુધારા કરવામાં આવ્યા છે. લાકડાની બૉડીથી હવે સ્ટેનલેસ સ્ટીલની બૉડી બનવા લાગી છે. ત્રણ ડબ્બાની ટ્રેન હવે ૧૫ ડબ્બા સુધી પહોંચી છે. વીજળીની બચત કરે એવી ટ્રેક્શન ટેક્નૉલૉજીનો ઉપયોગ એમાં લેવામાં આવી રહ્યો છે. એમાં ઑક્સિલરી વૉર્નિંગ સિસ્ટમ ઉપલબ્ધ છે. સિગ્નલમાં આધુનિક વ્યવસ્થા તૈયાર કરાઈ છે અને મોટરમેનોની ડ્રાઇવિંગ-કૅબિન પર ડિસ્પ્લે-પૅનલ લાગી છે, ઍર-કન્ડિશન્ડ ટ્રેન સર્વિસ શરૂ થઈ છે. આથી શતાબ્દી સમારોહની ઉજવણી ભવ્ય થવી જોઈએ. ઇલેક્ટ્રિક ટ્રેનના એક ચાહક કૌશિક ધારવાડકરે જણાવ્યું હતું કે ‘ઇલેક્ટ્રિક ટ્રેનોની સર્વિસની શતાબ્દી વર્ષની ઉજવણી મોટા પાયે થવી જોઈએ. ભારતીય રેલવેમાં આ ઉપનગરીય ટ્રેનસેવા ગેમચેન્જર છે.’
મુંબઈમાં રેલવે-સર્વિસનો ઇતિહાસ
મુંબઈમાં ટ્રેનો ૧૮૫૩થી દોડાવવામાં આવે છે અને ૧૮૬૦ના દાયકામાં બૉમ્બે, બરોડા અને સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે (હવે વેસ્ટર્ન રેલવે)એ પણ ઉપનગરીય ટ્રેનોનું ટાઇમટેબલ જાહેર કર્યું હતું. જોકે હકીકતમાં ૧૯૨૫માં જ VT અને કુર્લા વચ્ચે ઇલેક્ટ્રિક ટ્રેન દોડી એ સાથે મુંબઈની ઉપનગરીય ટ્રેન સેવાનો આરંભ થયો હતો. એ દેશમાં પહેલી પૅસેન્જર ઇલેક્ટ્રિક ટ્રેન હતી. વેસ્ટર્ન રેલવેમાં ૧૯૨૮માં ઇલેક્ટ્રિક ટ્રેનો દોડાવવાની શરૂઆત થઈ હતી. આમ આ શતાબ્દી-ઉત્સવે મોટો કાર્યક્રમ થવો જોઈએ એ સમયની માગ છે.
મુંબઈમાં ટ્રેનો ૧૮૫૩થી દોડાવવામાં આવે છે અને ૧૮૬૦ના દાયકામાં બૉમ્બે, બરોડા અને સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે (હવે વેસ્ટર્ન રેલવે)એ પણ ઉપનગરીય ટ્રેનોનું ટાઇમટેબલ જાહેર કર્યું હતું. જોકે હકીકતમાં ૧૯૨૫માં જ VT અને કુર્લા વચ્ચે ઇલેક્ટ્રિક ટ્રેન દોડી એ સાથે મુંબઈની ઉપનગરીય ટ્રેન સેવાનો આરંભ થયો હતો. એ દેશમાં પહેલી પૅસેન્જર ઇલેક્ટ્રિક ટ્રેન હતી. વેસ્ટર્ન રેલવેમાં ૧૯૨૮માં ઇલેક્ટ્રિક ટ્રેનો દોડાવવાની શરૂઆત થઈ હતી. આમ આ શતાબ્દી-ઉત્સવે મોટો કાર્યક્રમ થવો જોઈએ એ સમયની માગ છે.