08 January, 2024 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંધેરીની હોટેલમાં ગઈ કાલે જેજેસી સેન્ટ્રલ બોર્ડના પદાધિકારીઓની ચૂંટણી યોજાઈ હતી.
મુંબઈ ઃ જૈન જાગૃતિ સેન્ટરના સેન્ટ્રલ બોર્ડમાં બે સેક્રેટરીપદ માટેની ચૂંટણી ગઈ કાલે અંધેરીમાં યોજાઈ હતી, જેમાં ૬૮ લોકોએ મતદાન કરીને બે લોકોને સૌથી વધુ મત આપીને ચૂંટ્યા હતા, જ્યારે ત્રીજા ઉમેદવારને પાંચ મત મળ્યા હતા. સામાન્ય રીતે ૨૦ વર્ષથી સમજૂતીથી આ પદની નિયુક્તિ કરવામાં આવે છે, પણ આ વખતે પદ કરતાં વધુ એક વ્યક્તિએ ઉમેદવારી નોંધાવતાં ચૂંટણી કરવામાં આવી હતી.
અંધેરીમાં આવેલી સુબા ઇન્ટરનૅશનલ હોટેલમાં ગઈ કાલે જેજેસી સેન્ટ્રલ બોર્ડના વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ માટે સેક્રેટરીપદ માટેની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવી હતી. સેન્ટ્રલ બોર્ડના ૧૨૦ સભ્યમાંથી ૬૮ સભ્યોએ મતદાન કર્યું હતું.
સેક્રેટરીપદ માટે હિતેશ ભેદા (જેજેસી નૉર્થ ઈસ્ટ)ને ૬૬ મત, મિતેશ અંબાવી (જેજેસી રૉયલ જગડુશા)ને ૬૫ મત અને કીર્તિ શાહ (જેજેસી જુહુ બીચ)ને પાંચ મત મળ્યા હતા. આથી સેક્રેટરીપદ માટે પહેલા બે ઉમેદવારનો વિજય થયો હતો.
રમેશ મોરબિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ’૨૦ વર્ષથી સમજૂતીથી બે વર્ષ માટેના પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવે છે. આ વર્ષે થોડો વિવાદ થયો હતો એટલે ચૂંટણી કરવી પડી. અમારા પર જેટલા પણ આરોપ કરવામાં આવ્યા છે એનો અમે જવાબ આપ્યો છે અને ચૂંટણીની પ્રક્રિયા શાંતિથી પૂરી થઈ હતી.’
ચૂંટણી બાદ ચૂંટણી કમિશનર રમેશ મોરબિયાએ વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ માટે કારોબારી કમિટીની જાહેરાત કરી હતી. એમાં કિશોર શેઠ (ચૅરમૅન), જયંતી છાડવા (વાઇસ ચૅરમૅન), ભાવિન શાહ (વાઇસ ચૅરમૅન), ઉદય સંઘવી (જનરલ સેક્રેટરી), મિતેશ અંબાવી (સેક્રેટરી), હિતેશ ભેદા (સેક્રેટરી), જિજ્ઞેશ ભાયાણી (સેક્રેટરી), પ્રફુલ મહેતા (ડેવલપમેન્ટ સેક્રેટરી), મિલન શાહ (ટ્રેઝરર) અને દીપક લાપસિયા (એડિટર)ની નિયુક્તિ કરવામાં આવી હતી.