16 December, 2024 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પ્રધાનમંડળના શપથવિધિ સમારોહમાં પંકજા મુંડે સાથે એકનાથ શિંદે.
મહારાષ્ટ્રની મહાયુતિની સરકારમાં ગઈ કાલે પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું એમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના ૧૧ વિધાનસભ્યોએ પ્રધાન તરીકે શપથ લીધા હતા. જોકે શપથવિધિ પહેલાં આ વિધાનસભ્યો પાસેથી સોગંદનામાં પર એકનાથ શિંદેએ સહી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.
ગઈ કાલે સાંજે નાગપુરના વિધાનભવનના આંગણે પ્રધાનમંડળની શપથવિધિ થઈ હતી એ પહેલાં એકનાથ શિંદેએ શિવસેનાના વિધાનસભ્યોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પ્રધાનપદ અઢી વર્ષ માટે આપવામાં આવશે એની માહિતી સૌને આપવામાં આવી હતી. અઢી વર્ષ પૂરા થયા બાદ તરત જ પ્રધાનપદ છોડવું પડશે. ગઈ કાલે જેમણે પ્રધાન તરીકે શપથ લીધા હતા તેમના માટે એકનાથ શિંદેએ સોગંદનામું તૈયાર કરાવ્યું હતું જેમાં લખવામાં આવ્યું હતું કે અઢી વર્ષ બાદ પ્રધાનપદેથી રાજીનામું આપવું પડશે એ મંજૂર છે. આ સોગંદનામું શપથ લેનારા વિધાનસભ્યોને આપવામાં આવ્યું હતું અને તેમની પાસેથી સહી લેવામાં આવી હતી.
મહાયુતિની એકનાથ શિંદેની આગેવાનીની સરકારમાં શિવસેનાના ૧૧ વિધાનસભ્યોને પ્રધાન બનાવવામાં આવ્યા હતા. અઢી વર્ષ બાદ પક્ષના બીજા વિધાનસભ્યોને મોકો મળે એ માટે અઢી વર્ષની ફૉર્મ્યુલા માત્ર શિવસેનામાં જ નહીં, મહાયુતિમાં સામેલ ભારતીય જનતા પાર્ટી અને અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીમાં પણ લાગુ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.