07 July, 2024 08:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ક્રિકેટ ટીમને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ૧૧ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે એની સામે વિરોધ પક્ષોએ વાંધો લેવાથી આ બાબતે રાજકારણની રમત શરૂ થઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે ગઈ કાલે કહ્યું હતું કે ‘ભારતના ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપમાં વિજય મેળવનારી ટીમને ૧૨૫ કરોડ રૂપિયાનું મોટું ઇનામ જાહેર કર્યું છે. ક્રિકેટમાં મોટા પ્રમાણમાં રૂપિયાની કમાણી ખેલાડીઓને થાય છે. એ સિવાય ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રૂપિયા કમાવા માટે જ રમવામાં આવે છે. એમાં ક્રિકેટરોને ઘણા રૂપિયા મળે છે. વર્લ્ડ કપ જીતવા બદલ ક્રિકેટરોનો આદર કરવો જોઈએ, પણ ટીમને ૧૧ કરોડ રૂપિયા આપવાની શું જરૂર હતી? મહારાષ્ટ્રની તિજોરી તળિયાઝાટક છે ત્યારે સરકારે આવી જાહેરાત ન કરવી જોઈએ.’
વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ પણ ભારતીય ક્રિકેટ ટીમને ૧૧ કરોડ રૂપિયા આપવા સામે વાંધો લેતાં કહ્યું હતું કે બહુ જ ઇચ્છા હોય તો મુખ્ય પ્રધાને તેમના પૉકેટમાંથી આપવા હતાને.
ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રવીણ દરેકરે કહ્યું હતું કે વિરોધ પક્ષો વર્લ્ડ કપમાં વિજય મેળવનારી ટીમનું સન્માન અને ઇનામ આપવાની બાબતમાં પણ રાજકારણ રમી રહ્યા છે.