04 January, 2023 11:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જિતેન્દ્ર આવ્હાડ
મહાપુરુષોના અપમાન બાબતે સત્તાધારી અને વિરોધ પક્ષો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી નિવેદનબાજી ચાલી રહી છે ત્યારે હવે આમાં મોગલ સમ્રાટ ઔરંગઝેબના મુદ્દે રાજકારણ ગરમાઈ ગયું છે. એનસીપીના થાણેના નેતા જિતેન્દ્ર આવ્હાડે સોમવારે કહ્યું હતું કે ઔરંગઝેબ ક્રૂર હોત તો તેમણે છત્રપતિ સંભાજી મહારાજની હત્યાની સાથે અહીંનાં મંદિરો પણ તોડી નાખ્યાં હોત.
એનસીપીના નેતાના આ નિવેદનનો મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત અનેક લોકોએ વિરોધ કર્યો છે. એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ લોકોને શા માટે ઔરંગઝેબ માટે આટલો પ્રેમ ઊભરાઈ આવે છે એ બધા જાણે છે. જોકે પોતે કાચું કાપ્યું હોવાની જાણ થતાં જિતેન્દ્ર આવ્હાડે તરત જ ફેરવી તોળ્યું હતું અને ઔરંગઝેબે તેના ભાઈઓની હત્યા કરીને સત્તા મેળવી હતી અને તેના એકેય દુશ્મનને બક્ષ્યા નહોતા એટલો ક્રૂર હોવાનું કહ્યું હતું.
એનસીપીના થાણેના નેતા જિતેન્દ્ર આવ્હાડે સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘છત્રપતિ સંભાજી મહારાજને અમે પહેલેથી સ્વરાજ્ય રક્ષક માનીએ છીએ. તેઓ સંગમેશ્વરમાં સરદેસાઈના વાડામાં હતા એની માહિતી ઔરંગઝેબને કોણે આપી? આ જ સાચો ઇતિહાસ છે. છત્રપતિ સંભાજી મહારાજને બહાદુરગઢ પર લાવવામાં આવ્યા હતા. અહીં તેમની આંખ કાઢી નાખવામાં આવી હતી. અહીં બાજુમાં વિષ્ણુ મંદિર છે. ઔરંગઝેબ ક્રૂર અને હિન્દુદ્વેષી હોત તો તેણે વિષ્ણુ મંદિર પણ તોડી નાખ્યું હતું. બહાદુરગઢ પરથી છત્રપતિ સંભાજી મહારાજને તુળજાપુર લઈ જવાયા હતા. બાદમાં શું થયું હતું એ ઇતિહાસમાં નોંધાયેલું છે. આથી હું કહું છું કે નકામા એ ઇતિહાસમાં પડો નહીં, ઇતિહાસ વિવાદ જગાવે છે.’ જિતેન્દ્ર આવ્હાડને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે જવાબ આપતાં કહ્યું હતું કે ‘ઇતિહાસ ભૂંસવાનો, બદલવાનો અહીં જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એનો જેટલો નિષેધ કરીએ એટલો ઓછો છે. ઔરંગઝેબ બાબતે કોનો પ્રેમ ઊભરાઈ રહ્યો છે? જે ઔરંગઝેબે છત્રપતિ શિવાજી મહારાજને પરેશાન કર્યા, મહારાષ્ટ્રનાં અનેક મંદિરો તોડ્યાં, માતા-બહેનો પર અત્યાચાર કર્યો એના પર કોને પ્રેમ ઊભરાઈ આવે છે એ બધા જાણે છે.’
છત્રપતિ સંભાજી મહારાજને ધર્મવીર પણ કહી શકાય : શરદ પવાર
અજિત પવારે વિધાનસભામાં છત્રપતિ સંભાજી મહારાજ વિશે કરેલા નિવેદન બાદ બીજેપી અને શિંદે જૂથ સહિતના નેતાઓ અજિત પવારનો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગઈ કાલે એનસીપીના ચીફ શરદ પવારે પહેલી વખત કહ્યું હતું કે ‘છત્રપતિ સંભાજી મહારાજને ધર્મવીર પણ કહી શકાય છે. તેમણે થાણેના કેટલાક નેતાનાં નામ ધર્મરક્ષક દેખાઈ આવે છે. ધર્મવીર અને ધર્મરક્ષક એટલે શું? જેમને ધર્મવીર કહેવું હોય ધર્મવીર કહો, જેમને સ્વરાજ્ય રક્ષક કહેવા હોય તે સ્વરાજ્ય રક્ષક કહો. તેમણે રાજ્યના રક્ષણનું કામ કર્યું હતું. જોકે આ વિશે વિવાદ કરવાની જરૂર નથી. મહાપુરુષો વિશે વિના કારણ વિવાદ ન થવો જોઈએ.’
જોકે આ સમયે જિતેન્દ્ર આવ્હાડના નિવેદન વિશે શરદ પવારે કંઈ નહોતું કહ્યું.
આ ઔરંગઝેબી ચાલ તો નથીને?
છત્રપતિ સંભાજી મહારાજ ધર્મવીર નહોતા, ઔરંગઝેબ ક્રૂર અને હિન્દુદ્વેષી નહોતો. દાઉદ સાથે વ્યવહાર કરનારા નવાબ મલિકના પક્ષના નેતાનાં આ નિવેદનો મહારાષ્ટ્રે હળવાશથી લેવા જેવાં નથી. આ એક ઔરંગઝેબી ચાલ તો નથી ? એવો સવાલ કરતી ટ્વીટ ગઈ કાલે બીજેપીના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારે કરી હતી. ઉદ્ધવ ઠાકરે જૂથના મુખપત્ર ‘સામના’માં ગઈ કાલે લખ્યું હતું કે ‘સંભાજી મહારાજના પિતાનું અપમાન કરનારા અણ્ણાજી પંત આજે રાજભવનમાં બેઠા છે. તેમને સહયોગ કરનારા અણ્ણાજી પંતના સમર્થક અજિત પવારને સલાહ આપી રહ્યા છે.’
આ લેખના જવાબમાં આશિષ શેલારે જવાબ આપ્યો હતો. તેમણે બીજી એક ટ્વીટમાં લખ્યું હતું કે ‘એનસીપી અને કૉન્ગ્રેસના નેતાઓનાં આવાં નિવેદનો બાબતે ચુપકીદી સેવી રહેલી ઉદ્ધવ ઠાકરેની શિવસેના ખતમ થઈ જશે. જનતા એક દિવસ આ મહાવિકાસ આઘાડીને બરાબરનો પાઠ ભણાવશે.’
કૅન્સરથી પીડાતા બીજેપીના વિધાનસભ્યનું અવસાન
બીજેપીના પિંપરી-ચિંચવડના વિધાનસભ્ય લક્ષ્મણ જગતાપનું ગઈ કાલે અવસાન થયું હતું. ૫૯ વર્ષના વિધાનસભ્યની પુણેની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં કૅન્સરની સારવાર ચાલતી હતી ત્યારે ગઈ કાલે સવારે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે રાજ્યસભા અને વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી યોજાઈ હતી ત્યારે બીમાર હોવા છતાં તેઓ ઍમ્બ્યુલન્સમાં વિધાનભવનમાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી જોકે તેઓ કૅન્સરની બીમારીથી પીડાતા હતા એટલે સક્રિય રાજકારણથી અળગા થઈ ગયા હતા.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અયોધ્યા જશે
અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા ભવ્ય રામમંદિરના મહંતે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું છે. આ વિશે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્રકારોએ નાગપુર ઍરપોર્ટ પણ ગઈ કાલે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘અયોધ્યાના કેટલાક ધાર્મિક નેતાઓએ અધ્યોધ્યા આવીને ભગવાન રામનાં દર્શન કરવાનું નિમંત્રણ આપ્યું છે. અયોધ્યા ધાર્મિક નગરી છે અને આપણા બધાનું પ્રેરણાસ્થાન છે એટલે ચોક્કસ અયોધ્યા જઈશ.’ ઉલ્લેખનીય છે કે મહાવિકાસ આઘાડી સરકારમાં ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા ત્યારે એકનાથ શિંદેએ અયોધ્યાની મુલાકાત કરી ત્યારે તેમની સાથે સંજય રાઉત હતા. પછી આદિત્ય ઠાકરે અયોધ્યા ગયા હતા.