28 November, 2024 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચંદ્રશેખર બાવનકુળે
એકનાથ શિંદેએ થાણેમાં સાંજે ચારેક વાગ્યે આગામી સરકાર અને મુખ્ય પ્રધાનનો ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતાઓનો નિર્ણય માન્ય હોવાની સ્પષ્ટતા કરી હતી. એકનાથ શિંદેની પ્રેસ-કૉન્ફરન્સના થોડા સમય બાદ BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ નાગપુરમાં પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી. એમાં તેમણે કહ્યું હતું કે ‘મહાયુતિના અમારા નેતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો હું આભાર માનું છું. ગઈ કાલથી વિરોધ પક્ષોના નેતા એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનપદ નહીં મળે એ સમજાઈ ગયું છે એટલે નારાજ હોવાની અફવા ફેલાવી રહ્યા છે. એકનાથ શિંદે જેવી વ્યક્તિ માટે આવો પ્રશ્ન ઊભો કરવો બરાબર નથી. એકનાથ શિંદેએ BJPના વરિષ્ઠ નેતાઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને પોતે કૉમન મૅન હતા, છે અને ભવિષ્યમાં પણ રહેશે એવું નિવેદન આપ્યું છે. ૨૦૧૪માં તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં એકનાથ શિંદેએ ખૂબ સારું કામ કર્યું હતું અને અત્યારની મહાયુતિમાં પણ તેમણે રાજ્યના વિકાસ માટે કામ કર્યું છે. તેમણે રાજ્યને આગળ લઈ જવા માટે દિવસ-રાત મહેનત કરી છે. આપણને એકનાથ શિંદે જેવા કર્મઠ મુખ્ય પ્રધાન મળ્યા એનો ગર્વ છે. તેમણે કાયમ ટીકાનો જવાબ કામથી આપીને વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે. ઉદ્ધવ ઠાકરેને લાત મારીને ૪૦ વિધાનસભ્યો સાથે બહાર પડનારા એકનાથ શિંદે રડનારા નહીં, લડનારા નેતા છે. તેમના નિર્ણયથી મહાયુતિ અભેદ્ય બની ગઈ છે, વધુ મજબૂત બની છે.’