પહેલાં હમ આપ કે હૈં કૌન- હવે હમ સાથ-સાથ હૈં

04 December, 2024 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાનનું પદ સ્વીકારવા માની ગયા હોવાની ચર્ચા

એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ

ગુરુવારે રાતે દિલ્હીમાં અમિત શાહને મળ્યા બાદ નારાજ થઈ ગયેલા એકનાથ શિંદે છેક ગઈ કાલે રાતે પહેલી વાર દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. એ પહેલાં સોમવાર રાત સુધી તેમણે BJP સાથે ડાયરેક્ટ વાત કરવાનું બંધ કરી દીધું હતું. છેવટે દેવેન્દ્ર ફડણવીસના સંકટમોચક ગિરીશ મહાજન સાથેની બે મીટિંગ અને ‘અજિત પવાર ફૅક્ટર’ને કારણે કાર્યવાહક મુખ્ય પ્રધાન કૂણા પડ્યા અને ઘીના ઠામમાં ઘી પડી રહ્યું

ગુરુવારે રાતે ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા બાદ નારાજ થઈ ગયેલા કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગઈ કાલે પહેલી વાર દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા.

આમ તો એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી લડવામાં આવી હતી, પણ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓએ પહેલાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે આગામી મુખ્ય પ્રધાન કોણ બનશે એનો નિર્ણય મહાયુતિની ત્રણેય પાર્ટીના નેતાઓ સાથે મળીને કરશે. જોકે મહારાષ્ટ્ર વિધાનસભામાં અકલ્પનીય જીત મેળવ્યા બાદ શિવસેનાએ મુખ્ય પ્રધાનપદ એકનાથ શિંદેને જ મળવું જોઈએ એવી ભૂમિકા રાખી હતી, પણ અમિત શાહે મુખ્ય પ્રધાન BJPનો જ રહેશે એવું ત્રણેય નેતાઓ સાથેની દિલ્હીની મીટિંગમાં સ્પષ્ટ કરી દીધું હોવાથી થાણેની કોપરી-પાચપાખાડી બેઠક પરથી એક લાખ કરતાં વધુ મતથી ચૂંટણી જીતનાર એકનાથ શિંદે અપસેટ થઈ ગયા હતા જે તેમના અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ સાથેના ફોટોમાં સ્પષ્ટ દેખાતું હતું.

એકસાથે ચૂંટણી લડીને વિરોધીઓને જબરદસ્ત પછડાટ આપનારી શિવસેનાના સર્વોચ્ચ નેતાએ દિલ્હીથી આવ્યા બાદ BJPથી હમ આપ કે હૈં કૌન જેવું અંતર રાખ્યું હતું. આમ તો ગયા શુક્રવારે ત્રણેય પાર્ટીના નેતા સાથે બેસીને પોર્ટફોલિયો ફાઇનલ કરવાના હતા, પણ એ પહેલાં અચાનક જ એકનાથ શિંદે સાતારામાં આવેલા તેમના ગામ ચાલ્યા ગયા હતા. એ પહેલાં તેમણે BJP સાથે વાત જ નહોતી કરી.

મુખ્ય પ્રધાનપદ માટે આગ્રહી એકનાથ શિંદે હવે નાયબ મુખ્ય પ્રધાનપદની સાથોસાથ રાજ્યના ગૃહ, મહેસૂલ, અર્બન ડેવલપમેન્ટ અને ગૃહનિર્માણ ખાતાનો આગ્રહ રાખીને બેઠા હોવાનું કહેવાતું હતું, પણ BJP કોઈ પણ ભોગે ગૃહખાતું શિવસેનાને આપવા તૈયાર ન હોવાથી બન્ને પાર્ટીના નેતાઓ તરફથી ડાયરેક્ટ વાત કરવાને બદલે એકબીજાને મીડિયા મારફત મેસેજ આપવામાં આવતા હતા એટલું જ નહીં, BJPનો મેસેજ લઈને એકનાથ શિંદેના ગામ ગયેલા પોતાની જ પાર્ટીના નેતા દીપક કેસરકરને મળવાનો કાર્યવાહક મુખ્ય પ્રધાને ઇનકાર કરી દીધો હતો.

સોમવારે એકનાથ શિંદેને મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસના સંકટમોચક ગિરીશ મહાજને પણ કહ્યું હતું કે મેં શિંદેસાહેબને મળવા માટે ૫-૬ દિવસ પહેલાં અપૉઇન્ટમેન્ટ માગી હતી, પણ તેઓ ‘બીમાર’ હોવાથી એ નહોતી મળી શકી. આવા સંજોગોમાં BJPએ પણ શપથવિધિની તારીખ જાહેર કરી દેતાં શિવસેના વધુ નારાજ થઈ ગઈ હતી.

આમ તો રવિવારે ગામથી પાછા થાણે આવેલા એકનાથ શિંદેએ સોમવારથી કામ પર લાગી જવાનો સંકેત આપ્યો હતો. તેમની પાર્ટીના નેતા સંજય શિરસાટે પણ કહ્યું હતું કે સાંજે ત્રણેય પાર્ટીના નેતાઓ મળીને પ્રધાનમંડળ ફાઇનલ કરશે, પણ ફરી એક વાર તબિયત ખરાબ હોવાને લીધે એકનાથ શિંદેએ તેમની તમામ મીટિંગ રદ કરી નાખી હતી.

બીજી બાજુ અજિત પવાર દિલ્હી જઈને બેઠા હોવાથી તેઓ પોતાની પાર્ટી માટે ‘સારી મિનિસ્ટ્રી’ લઈ લેશે એવી ચિંતા શિવસેનાના નેતાઓને સતાવવા માંડી હોવાથી તેમણે પણ એકનાથ શિંદે પર પ્રેશર નાખવાનું શરૂ કર્યું હોવાનું કહેવાય છે. જાણકારોનું તો એવું પણ કહેવું છે કે એકનાથ શિંદેની ગાડી પાટે ચડાવવા માટે BJPએ જ અજિત પવારને દિલ્હીમાં ધામો નાખવા કહ્યું હતું.

આ બધાની વચ્ચે ગઈ કાલે રાતે દેવેન્દ્ર ફડણવીસે સંદેશો લઈને ગિરીશ મહાજનને થાણેમાં એકનાથ શિંદેના ઘરે મોકલાવ્યા હતા. તેમની વચ્ચે સવા કલાક ચર્ચા થઈ હતી. આ રીતે દિલ્હીની મીટિંગ બાદ એકનાથ શિંદે સોમવારે રાતે પહેલી વાર BJPના નેતાને મળ્યા હતા. એવું કહેવાય છે કે આ મીટિંગ બાદ એકનાથ શિંદેએ કૂણું વલણ અપનાવ્યું હતું અને ગઈ કાલથી તેઓ કામ પર લાગી ગયા હતા.

ગઈ કાલે પણ ગિરીશ મહાજન અડધા કલાક સુધી એકનાથ શિંદેને મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ વર્ષા બંગલા પર કાર્યવાહક મુખ્ય પ્રધાનને મળવા પહોંચ્યા હતા. તેમની વચ્ચે મીટિંગ થયા બાદ બન્ને પાર્ટી તરફથી ફરી એક વાર હમ સાથ-સાથ હૈં કહેવામાં આવ્યું હતું.

એવું કહેવાય છે કે આ મીટિંગમાં કોને કયું ખાતું ફાળવવું એ ઑલમોસ્ટ નક્કી થઈ ગયું છે, પણ એની જાહેરાત કરવામાં નથી આવી. એવું પણ કહેવાય છે કે એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન બનવા માટે તૈયાર થઈ ગયા છે. જોકે ગૃહખાતાને લઈને કોઈ સ્પષ્ટતા હજી સુધી થઈ નથી

 

mumbai news mumbai maharashtra assembly election 2024 eknath shinde amit shah bharatiya janata party shiv sena