13 January, 2025 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેમન્ડ કંપનીના શતાબ્દી વર્ષ નિમિત્તે ગઈ કાલે થાણેમાં રેમન્ડ કંપની અને સુપર ક્લબ વતી ઑટો કાર ફેસ્ટિવલનું ઑટોફેસ્ટ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. એ સમયે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રેમન્ડ કંપનીના માલિક ગૌતમ સિંઘાણિયાની ઍન્ટિક બાઇક અને ઑટો-રિક્ષા ચલાવી હતી.
અગાઉ દેવેન્દ્ર ફડણવીસની ખૂબ ટીકા કરનારા ઉદ્ધવ ઠાકરે અને તેમનો પુત્ર આદિત્ય મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને વારંવાર મળી રહ્યા છે એ વિશે નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદેએ ગઈ કાલે ટિપ્પણી કરી હતી.
એકનાથ શિંદેએ ગઈ કાલે થાણેમાં આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘અઢી વર્ષ હું મુખ્ય પ્રધાન હતો ત્યારે આ લોકોએ ગાળો આપી, શાપ આપ્યા અને આરોપ કરવા સિવાય બીજું કંઈ નહોતું કર્યું. દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમની પણ તમામ મર્યાદા ઓળંગીને આરોપ કર્યા. તેમને જેલમાં નાખવા સુધીનું કારસ્તાન કર્યું. તું રહેશે, નહીં તો હું રહીશ એવી ભાષા બોલવામાં આવી. હવે કોઈ જાદુ થયું હોય એવું આપણે જોઈ રહ્યા છીએ. કાચિંડો રંગ બદલે છે, પણ આટલી ઝડપે રંગ બદલનારા મેં પહેલી વાર જોયા. જેમણે બાળાસાહેબના વિચારને ત્યજી દીધા છે તેમને બાળાસાહેબના સ્મારકના ઉદ્ઘાટનમાં નહીં બોલાવવામાં આવે. કાર્યક્રમ કોનો છે? બાળાસાહેબનું સ્મારક કોણ બાંધી રહ્યું છે? સરકાર બાંધી રહી છે. બાળાસાહેબનું સ્મારક કોઈની માલિકીનું નથી. આથી તેમને આ વિશે કંઈ બોલવાનો નૈતિક અધિકાર જ નથી.