27 November, 2024 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
શરદ પવારથી લઈને તમામ રાજકીય પંડિતો મહાયુતિની પ્રચંડ જીત લાડકી બહિણ યોજના અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક હૈં તો સેફ હૈં’ સૂત્રને લીધે થઈ હોવાનું કહી રહ્યા છે ત્યારે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ફરીથી સીએમનું પદ મળે એ માટે તેમની પાર્ટીના નેતાઓ જોરદાર તર્ક લગાવવાની સાથે હવે ગતકડાં પણ કરવા લાગ્યાં છે.
અત્યાર સુધી એકનાથ શિંદેની શિવસેના એવું કહેતી હતી કે લાડકી બહિણ યોજના એકનાથ શિંદેનું બ્રેઇનચાઇલ્ડ છે અને એને લીધે જ મહાયુતિને પ્રચંડ બહુમત મળ્યો હોવાથી તેમને જ મુખ્ય પ્રધાન બનાવવા જોઈએ.
જોકે ગઈ કાલે શિંદેસેનાનાં બીજા એક નેતા મનીષા કાયંદેએ નરેન્દ્ર મોદીના સૂત્ર ‘એક હૈં તો સેફ હૈં’ને થોડું ટ્વિસ્ટ કરીને ‘એક‘નાથ’ હૈં તો સેફ હૈં’ સૂત્ર સોશ્યલ મીડિયા પર વહેતું કર્યું હતું. તેઓ એવું કહેવા માગે છે કે રાજ્યના લોકો અને મહાયુતિ એકનાથ શિંદેના વડપણ હેઠળ સેફ છે.
મનીષા કાયંદે
આ પહેલાં શિંદેસેનાના સંજય શિરસાટ, દીપક કેસરકર, શંભુરાજ દેસાઈ સહિતના નેતાઓ એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવા વિશે એકથી વધારે વખત કહી ચૂક્યા છે.