22 June, 2023 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતના નજીકના ગણાતા ઉદ્યોગપતિ સુજિત પાટકર સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ મની લૉન્ડરિંગ કેસમાં મુંબઈમાં ૧૫ સ્થળોએ દરોડા પાડ્યા હતા. સુજિત પાટકર અને તેના ત્રણ ભાગીદારોએ રોગચાળા દરમ્યાન કોવિડ-૧૯ની ફીલ્ડ હૉસ્પિટલનું સંચાલન કરવા માટે સુધરાઈના કૉન્ટ્રૅક્ટ ખોટી રીતે મેળવ્યા હતા. કૉન્ટ્રૅક્ટ મામલે સુધરાઈના કેટલાક અધિકારીઓ અને આઇએએસ અધિકારી સંજીવ જયસ્વાલ સહિત અન્ય લોકોના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા.
આઝાદ મેદાન પોલીસ સ્ટેશને ગયા વર્ષે ઑગસ્ટમાં લાઇફલાઇન હૉસ્પિટલ મૅનેજમેન્ટ સર્વિસ ફર્મ, સુજિત પાટકર અને તેના ત્રણ પાર્ટનરો વિરુદ્ધ છેતરપિંડીના મામલે ફરિયાદ નોંધી હતી. એના આધારે ઈડીએ મની લૉન્ડિરિંગ ઍન્ગલની તપાસ કરવા માટે કેસ નોંધ્યો હતો. સુધરાઈના કમિશનર ઇકબાલ સિંહ ચહલ પણ આ વર્ષે જાન્યુઆરીમાં ઈડી સમક્ષ હાજર થયા હતા. ફરિયાદ મુજબ સુધરાઈ સમક્ષ ભાગદારીનું ખોટું ડીડ રજૂ કરાયું હતું. એના આધારે એનએસઈએલ, વરલી, મુલુંડ અને દહિસરમાં જમ્બો કોવિડ સેન્ટરના કૉન્ટ્રૅક્ટ મેળવ્યા હતા. આ કોવિડ સેન્ટરોના કર્મચારીઓ અને ડૉક્ટરો પાસે જરૂરી મેડિકલ સર્ટિફિકેટ નહોતાં.