15 November, 2024 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇડીની ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના માલેગાવમાં એક વેપારીએ વિધાનસભાની ચૂંટણીમાં ૧૨૫ કરોડ રૂપિયા બેનામી બૅન્ક ખાતાંઓમાં ટ્રાન્સફર કરાવ્યાં હોવાનો મામલો પોલીસમાં નોંધવામાં આવ્યો હતો અને આ કેસમાં બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. હવે આ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ બુધવારે મહારાષ્ટ્રના થાણે, વાશી, માલેગાવ, નાશિક તેમ જ ગુજરાતના સુરત અને અમદાવાદમાં ૨૪ જગ્યાએ દરોડા પાડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. માલેગાવ પોલીસની તપાસમાં ૧૨૫ કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન જે વેપારી અને અકાઉન્ટ્સમાંથી કરવામાં આવ્યાં હતાં એની માહિતીના આધારે EDએ આ દરોડા પાડ્યા હતા.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ માલેગાવમાં વોટ જેહાદ કરવા માટે ૧૨૫ કરોડ રૂપિયાનાં બેનામી ટ્રાન્ઝૅક્શન કરવામાં આવ્યાં હોવાનો આરોપ કર્યો હતો અને આ મામલે માલેગાવ પોલીસે કરેલી તપાસના પુરાવા રજૂ કર્યા હતા. માલેગાવના સિરાજ અહમદ નામના વેપારીએ આ ટ્રાન્ઝૅક્શન કર્યાં હોવાની ફરિયાદ નોંધાયા બાદ સિરાજ અહમદ પલાયન થઈ ગયો હતો. બાદમાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો.