20 November, 2023 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
શિવસેનાના મુખપત્ર ‘સામના’ની રોકઠોક કૉલમમાં શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે ‘ચૂંટણીપંચ તો પાંજરાનો પોપટ બની ગયું છે. એને શરમ આવવી જોઈએ. બીજેપીનાં કૃત્યો સામે એ આંખ આડા કાન કરે છે.’
સંજય રાઉતે લખ્યું છે કે ‘નવેમ્બરમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. મધ્ય પ્રદેશમાં પ્રચાર દરમ્યાન રૅલીને સંબોધતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે જો બીજેપી સત્તા પર આવશે તો એ તેમને અયોધ્યાની યાત્રાએ લઈ જશે. આ રીતસરની ‘લાંચ’ છે. જો આવું કોઈ સ્ટેટમેન્ટ કૉન્ગ્રેસના નેતા દ્વારા કરાયું હોત તો તરત જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ તેમના નામનું વૉરન્ટ લઈને તેમના ઘરે પહોંચી ગઈ હોત. આ રીતે મતદારોને લાંચ આપીને વોટ માગવા એ ચોંકાવનારું છે અને ચૂંટણીપંચ એની સામે આંખ આડા કાન કરે છે જે લોકશાહી માટે હાનિકારક છે.’
સંજય રાઉતે વધુમાં કહ્યું હતું કે ‘ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર એવા કડક હતા કે રાજકીય પાર્ટીઓ ચૂં કે ચાં નહોતી કરી શકતી. રાજકીય પાર્ટીઓ પર તેમનો ખોફ રહેતો. હાલ પાંચ રાજ્યોમાં ચૂંટણીનો જે રીતે પ્રચાર થયો એ જોતાં એવું પુરવાર થઈ રહ્યું છે કે ચૂંટણીપંચ એ પાંજરામાંનો પોપટ છે.’
૧૯૮૭માં વિલે પાર્લેમાં પેટાચૂંટણી યોજાઈ હતી અને બાળાસાહેબ ઠાકરેએ હિન્દુત્વના નામે વોટ માગ્યા હતા ત્યારે ૬ વર્ષ માટે તેમના મત આપવા પર બંધી મુકાઈ ગઈ હતી. એમ છતાં એ વખતે શિવસેનાના સૂર્યકાંત મહાડિક, રમાકાંત મયેકર અને રમેશ પ્રભુ એ પેટાચૂંટણી જીતી ગયા હતા. સંજત રાઉતે હાલના સંદર્ભમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે હિન્દુત્વના મુદ્દે બીજેપી ચૂંટણીપંચ અને અન્ય બંધારણીય એજન્સીઓને મૅનેજ કરે છે.
ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળની શિવસેનાએ અમિત શાહના એ સ્ટેટમેન્ટ સંદર્ભે પત્ર લખીને આક્ષેપ કરતાં કહ્યું હતું કે બીજેપીને ફેવર કરવા ચૂંટણીપંચ બેવડું ધોરણ ધરાવે છે.
હવે તો ક્રિકેટ પણ અમદાવાદ લઈ જવાયું છે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ કાલે વર્લ્ડ કપની ફાઇનલ મૅચ ચાલી રહી હતી ત્યારે ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળની શિવસેનાના નેતા સંજય રાઉતે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘વર્ષોથી મુંબઈ દેશના ક્રિકેટનું પાવરહાઉસ ગણાતું હતું. હવે એને પણ બીજેપી પોતાની રાજકીય ઇવેન્ટ માટે અમદાવાદ લઈ ગઈ છે. હવે વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદમાં યોજાઈ છે. પહેલાં મુંબઈ ક્રિકેટનું મક્કા ગણાતું હતું અને આવી મહત્ત્વની મૅચ મુંબઈ, દિલ્હી કે પછી કલકતાના ઈડન ગાર્ડન્સમાં રમાતી હતી. આથી ક્રિકેટ હવે મુંબઈથી ખસેડીને અમદાવાદ લઈ જવાયું છે, કારણ એને તેમને (બીજેપીને) તેમની પૉલિટિકલ ઇવેન્ટ કરવી છે.’