EVMના મત અને VVPAT ​​​​સ્લિપમાં કોઈ ફરક નથી

11 December, 2024 02:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

EVMમાં ગરબડના આરોપ વચ્ચે રાજ્યના ઇલેક્શન કમિશને તમામ બેઠકના અમુક મતોની VVPAT સાથે સરખામણી કરી

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને પ્રચંડ બહુમત અને વિરોધી પક્ષોની મહા વિકાસ આઘાડીને પરાજય મળ્યો છે ત્યારે શરદ પવારથી લઈને મહા વિકાસ આઘાડીમાં સામેલ કૉન્ગ્રેસ અને ઉદ્વવસેના આ જનમત માટે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)ને જવાબદાર ગણાવી રહ્યા છે. મહાયુતિએ વિધાનસભાની ચૂંટણીમાં જનતાના મતદાનથી નહીં પણ EVMથી વિજય મેળવ્યો હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે રાજ્યના ઇલેક્શન કમિશને કેન્દ્રીય ઇલેક્શન કમિશનના નિર્દેશથી રાજ્યની તમામ ૨૮૮ વિધાનસભા બેઠકનાં પાંચ મતદાનકેન્દ્રનાં EVMના પાંચ મતની વોટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેઇલ (VVPAT)ની ​સ્લિપ સાથે સરખામણી ૨૩ નવેમ્બરે કરવામાં આવી હતી.

રાજ્યના ઇલેક્શન કમિશને ગઈ કાલે જાહેર કરેલી પ્રેસનોટમાં નોંધ્યું હતું કે ૨૩ નવેમ્બરે રાજ્યની તમામ ૨૮૮ વિધાનસભા બેઠકનાં મતદાનકેન્દ્રોમાંથી લૉટરી પદ્ધતિથી પાંચ મતદાનકેન્દ્રની પસંદગી કરવામાં આવી હતી. આવી રીતે પસંદ કરવામાં આવેલાં ૧૪૪૦ મતદાનકેન્દ્રના મત અને EVM મશીન સાથે જોડવામાં આવેલા VVPAT મશીનની ​સ્લિપની સરખામણી કરવામાં આવી હતી. તમામ મતદાનકેન્દ્રમાં EVMના મત અને VVPAT મશીનની ​સ્લિપ મૅચ થઈ હતી. આ આખી પ્રક્રિયા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ કરવામાં આવી હતી તેમ જ એનું વિડિયો-શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું.

maha yuti maharashtra assembly election 2024 maha vikas aghadi maharashtra news maharashtra news mumbai mumbai news