17 May, 2023 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાહુલ નાર્વેકર (ફાઇલ તસવીર)
વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને શિવસેના નામ અને ધનુષ્યબાણનું ચિહન આપવાનો જે નિર્ણય લીધો એ ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય હતો. એ સાથે જ તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ૧૬ વિધાનસભ્યોના સસ્પેન્શનના મુદ્દે પણ જુલાઈ ૨૦૨૨ પછી ઍક્ચ્યુઅલ શિવસેના કઈ એના આધારે આગળ વધવામાં આવશે. રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં એ નક્કી કરવું પડશે કે કયા જૂથની શિવસેના રાજકીય પક્ષ તરીકે ગણાશે. સુપ્રીમ કોર્ટે બળવો કરનારા ૧૬ વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવાનો ફેંસલો ન લેતાં એમ કહ્યું હતું કે માત્ર પક્ષાંતરવિરોધી કાયદા હેઠળ તેમને અપાત્ર ઠેરવવા એ યોગ્ય નહીં ગણાય. એમ કહી એ પેન્ડિંગ મૅટરનો નિર્ણય સ્પીકર વાજબી સમયગાળામાં લે એમ જણાવ્યું હતું.
એકનાથ શિંદે આ પહેલાંની ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના સહિતની મહાવિકાસ આઘાડી સરકારમાં પ્રધાન હતા. જૂન ૨૦૨૨માં એકનાથ શિંદે અને ૩૯ વિધાનસભ્યોએ ઉદ્ધવ ઠાકરેની લીડરશિપ સામે બળવો કર્યો હતો. એ પછી એકનાથ શિંદેએ બીજેપી સાથે મળીને સરકાર બનાવી હતી.
એ પછી ચૂંટણી પંચે ફેબ્રુઆરીમાં શિંદે જૂથને શિવસેના નામ અને ધનુષબાણનું ચિહ્ન આપ્યું હતું. રાહુલ નાર્વેકરે કહ્યું છે કે ચૂંટણી પંચનો એ નિર્ણય ભવિષ્યને નજરમાં રાખીને અપાયો હતો.