02 April, 2024 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)માં આપવામાં આવેલા નન ઑફ ધ અબોવ (NOTA) વિકલ્પના વિષયમાં જાગૃતિ ફેલાવવા માટે ચૂંટણીપંચે જનજાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ એવી માગણી કરતી જનહિતની અરજીને બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે ચૂંટણીપંચ અને મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણીપંચે NOTAના વિકલ્પના વિષયમાં જાગૃતિ ફેલાવવા માટે પૂરતાં પગલાં ઉઠાવ્યાં છે. જનહિતની અરજી એક સ્ટુડન્ટ સુહાસ વાનખેડે દ્વારા કરવામાં આવી હતી અને તેણે માગણી કરી હતી કે NOTA વિશે જનજાગૃતિ ફેલાવવા માટે ચૂંટણીપંચે એક બ્રૅન્ડ-ઍમ્બૅસૅડરની નિમણૂક કરવી જોઈએ. જોકે કોર્ટે નોંધ્યું હતું કે NOTAના સંદર્ભમાં ચૂંટણીપંચે મોટા અક્ષરમાં જાણકારી આપી હોય છે અને EVMમાં સૌથી નીચે એનો વિકલ્પ અપાયો છે. વળી આ માટે ચિત્રાત્મક માર્ગદર્શિકા ઉપલબ્ધ કરવામાં આવી છે. ચૂંટણીપંચે તમામ પગલાં લીધાં હોવાથી હવે કોઈ નવો નિર્દેશ આપવાની જરૂર નથી એવું કોર્ટે નોંધ્યું હતું.
કોર્ટે કહ્યું હતું કે અરજદાર સ્ટુડન્ટ છે એથી તેને કોઈ દંડ ફટકારવામાં આવ્યો નથી.