11 June, 2024 12:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરસાદી માહોલ
મુંબઈમાં ગઈ કાલે આખો દિવસ વાદળો છવાયેલાં રહ્યાં હતાં, પણ મોસમનો મિજાજ સાંજ પછી બદલાયો હતો અને મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં વરસાદનાં જોરદાર ઝાપટાં પડ્યાં હતાં. ઑફિસથી ઘરે જવા નીકળેલા મુંબઈગરાઓએ હાડમારી ભોગવવી પડી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર ગઈ કાલે સિટીમાં ૯૯.૧૧ મિલીમીટર (MM), ઈસ્ટર્ન સબર્બ્સમાં ૬૧.૨૯ MM અને વેસ્ટર્ન સબર્બ્સમાં ૭૩.૭૮ MM વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. હવામાન વિભાગ દ્વારા આજે પણ પાલઘર, થાણે, મુંબઈ, રાયગઢ સહિત રાજ્યના ઘણા જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરાયું છે, જ્યારે રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં મૉન્સૂન હવે આગળ વધી રહ્યું છે અને ગઈ કાલે એ દહાણુ, નાશિક અને સંભાજીનગર સુધી પહોંચી ગયું હતું. આજે પણ મુંબઈ સહિત મોટા ભાગના કોંકણ વિસ્તારમાં ગાજવીજ સાથે મૉન્સૂન સક્રિય રહેશે.
BMCના જણાવ્યા અનુસાર રવિવાર રાતે ૮ વાગ્યાથી મધરાત ૧ વાગ્યા સુધી જોરદાર વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ફાયર-બ્રિગેડને શૉર્ટ સર્કિટની ૩૬ ફરિયાદો મળી હતી તેમ જ ૫૭ જગ્યાએ ઝાડ અને ડાળીઓ તૂટી પડવાની ફરિયાદો મળી હતી. એ ઉપરાંત ભારે વરસાદને કારણે સિટીમાં બે, ઇસ્ટર્ન સબર્બ્સમાં બે અને વેસ્ટર્ન સબર્બ્સમાં બે ઘર તૂટી પડવાની અથવા દીવાલ પડવાની ઘટનાઓ નોંધાઈ હતી.