જેએનપીટી પરથી ત્રણ કરોડ રૂપિયાની ઈ-સિગારેટ પકડાઇ

14 May, 2023 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કસ્ટમ્સના અધિકારીઓએ ૪૦ ફુટનું એ કન્ટેનર ખોલ્યું તો એમાંથી ઈ-સિગારેટનાં બૉક્સ મળી આવ્યાં હતાં, જેમાં કુલ ૪૫,૮૬૮ ઈ-સિગારેટ પૅક કરવામાં આવી હતી

ઈ-સિગારેટ પકડાઇ

જેએનપીટીમાં આવેલા એક કન્ટેનરમાં ઈ-સિગારેટનો મોટો જથ્થો આવ્યો હોવાની કન્ફર્મ બાતમી ખબરીએ આપતાં કસ્ટમ્સની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ઍન્ડ ઇન્ટેલિજન્સ બ્રાન્ચે પાડેલી રેઇડમાં એ વાત સાચી જણાઈ હતી અને દેશમાં ગેરકાયદે આવી રહેલો ઈ-સિગારેટનો ત્રણ કરોડ રૂપિયાનો જથ્થો પકડાઈ ગયો હતો.

મૂળમાં ઈ-સિગારેટની ઇમ્પોર્ટ પર પ્રતિબંધ છે, છતાં એની દાણચોરી કરીને દેશમાં ઘુસાડવામાં આવે છે. અનેક યુવાનોને એની લત લાગી છે અને બહુ ઊંચા ભાવ આપીને પણ તેઓ તેમના આ વ્યસનને પોષે છે.  

કસ્ટમ્સના અધિકારીઓને માહિતી મળી હતી કે પાણીની બૉટલો, મૅગ્નેટિક બટન, બેલ્ટ, બક્કલ જેવી ચીજોની આયાત કરવાની હોવાનું કહી એની જગ્યાએ ચોરીછૂપીથી ઈ-સિગારેટ એ કન્ટેનરમાં મગાવાઈ હતી. કસ્ટમ્સના અધિકારીઓએ ૪૦ ફુટનું એ કન્ટેનર ખોલ્યું તો એમાંથી ઈ-સિગારેટનાં બૉક્સ મળી આવ્યાં હતાં, જેમાં કુલ ૪૫,૮૬૮ ઈ-સિગારેટ પૅક કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ઈ-સિગારેટના જથ્થાની કિંમત ત્રણ કરોડ રૂપિયા થાય છે.

૨૦૧૯માં આવેલા કાયદા મુજબ ઈ-સિગારેટનું ઉત્પાદન, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, ટ્રાન્સપોર્ટેશન, વેચાણ, ડિસ્ટ્રિબ્યુશન, સ્ટૉક કરવો અને એની જાહેરાત કરવી એમ બધા પર બંધી છે. કસ્ટમ્સે આ કન્ટેનર કોણે મગાવ્યું હતું? પાર્ટી કઈ હતી? કોને સપ્લાય થવાનું હતું? એ બાબતની માહિતી ભેગી કરી ગુનો નોંધવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

mumbai mumbai news mumbai customs