કરુણા સાથેની સેવા સમાજની સાચી સેવા : મોહન ભાગવત

31 July, 2023 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેમાં કૅન્સરની હૉસ્પિટલના ભૂમિપૂજન વખતે આરએસએસના વડાએ કહ્યું

મોહન ભાગવત

થાણેમાં કૅન્સરની હૉસ્પિટલના ગઈ કાલે કરવામાં આવેલા ભૂમિપૂજન વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે કરુણા સાથેની સેવા જ સમાજની સાચી સેવા છે.

થાણેમાં ધર્મવીર આનંદ દીઘે કૅન્સર હૉસ્પિટલ અને ત્રિમ‌ંદિર સંકુલના ભૂમિપૂજનના આયોજિત કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે ‘લોકોનાં દુઃખ દૂર કરવાની ભાવના સાથે કોઈ પણ સ્વાર્થ અને અહંકાર વિના માનવજાતની સેવા એ જ બીજાઓ પ્રત્યેની સાચી ફરજ છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય રોટી, કપડાં અને મકાન જેટલાં જ મહત્ત્વનાં છે. જોકે અત્યારે આ માટે જરૂરી સુવિધા અપૂરતી છે એટલે સામાન્ય લોકોને પણ પરવડી શકે એવું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની જરૂર છે.’

આરએસએસના ચીફે આગળ કહ્યું હતું કે ‘મને વિશ્વાસ છે કે પ્રસ્તાવિત કૅન્સર હૉસ્પિટલથી લોકોને લાભ થશે, કારણ કે આ કામ લોકોનાં દુઃખ દૂર કરવા માટેની સાચી ભાવનાથી થઈ રહ્યું છે. લોકોનો જીવ બચાવવો એ ઈશ્વરની સેવા કરવા સમાન છે. આ પ્રકારના કામથી લોકોમાં વિશ્વાસ પેદા થાય છે કે તેઓ એકલા નથી. આ નેક કામમાં આરએસએસ તરફથી જરૂરી મદદ કરવામાં આવશે.’

thane cancer rashtriya swayamsevak sangh mohan bhagwat mumbai mumbai news