ગોલ્ડ મોંઘુંદાટ હોવા છતાં પણ આજે દશેરાએ ચિક્કાર ઘરાકી નીકળશે

24 October, 2023 07:50 AM IST  |  Mumbai | Rohit Parikh

આવું મોટા ભાગના જ્વેલર્સ માની રહ્યા છે : સોનું છેલ્લા ૧૦ દિવસમાં ૧૨૦૦થી ૧૪૦૦ રૂપિયા મોંઘું થયું છે, પણ આને કારણે લોકો દશેરાએ ઓછું સોનું ખરીદે એવી શક્યતા નહીંવત્ લાગે છે

પ્રતીકાત્મક તસવીર

મિડલ ઈસ્ટમાં યુદ્ધની શરૂઆત પછી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૧૦ દિવસમાં સોનાના ભાવમાં ૧૨૦૦થી ૧૪૦૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. દિવાળી સુધી સોનાના ભાવ ૬૪,૦૦૦ રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચવાની શક્યતા સોનાના વેપારીઓ જોઈ રહ્યા છે. ગઈ કાલે માર્કેટમાં સોનાનો ભાવ ૬૨,૫૦૦ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. આજે સવારે માર્કેટ ૬૩,૦૦૦ રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવ સાથે ખૂલશે એવી સોનાના વેપારીઓને આશા છે. આ ભાવ હોવા છતાં આની ઘરાકી પર કોઈ જ અસર થશે નહીં એવું વેપારીઓનું માનવું છે. વેપારીઓ માને છે કે ગયા દશેરાની સરખામણીએ પાંચથી દસ ટકા ઘરાકી વધશે. ગયા દશેરામાં ૮૦ ટન સોનું વેચાયું હતું, આજે ૧૨૦ ટન સુધી વેચાણ થશે એવી વેપારીઓની માન્યતા છે.

સોના-ચાંદીના ભાવમાં ઇઝરાયલ અને હમાસના યુદ્ધની શરૂઆત પછી થોડા જ દિવસમાં ચારથી પાંચ ટકાનો વધારો નોંધાયો હતો એવું જણાવતાં ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે રીતે લગ્નની સીઝન અને તહેવારોને કારણે માર્કેટમાં ડિમાન્ડ જોવા મળે છે એ જોતાં ‌દિવાળી સુધી સોનાનો ભાવ ૬૪,૦૦૦ રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચવાની સંભાવના છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકાય એવું અત્યારે તો દેખાતું નથી. સેફ ઍસેટને કારણે સોનાની ડિમાન્ડની સાથે સેન્ટ્રલ બૅન્કો દ્વારા પણ સોનાની ખરીદી જોરમાં ચાલી રહી છે. આમ છતાં ગયા દશેરાની સરખામણીમાં ઘરાકી વધવાની પૂરી શક્યતા છે.’

ભાવવધારા છતાં ઘરાકીમાં કોઈ ફરક પડ્યો નથી એમ જણાવતાં ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના પ્રવક્તા કુમાર જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તહેવારો અને લગ્નની સીઝનને કારણે ભાવ વધવા છતાં ઘરાકી પર કોઈ અસર થઈ નથી. આજે પણ દશેરા હોવાથી ઘરાકી રહેશે એમાં કોઈ શંકા નથી. ગયા દશેરામાં ૮૦ ટન સોનાનું વેચાણ થયું હતું, આ વખતે આ આંકડો વધીને ૧૨૦ ટન સુધી પહોંચશે. ગઈ કાલે ૬૨,૫૦૦નો ભાવ ખૂલ્યો હતો, આજે ૬૩,૦૦૦ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ભાવ ખૂલશે એવી પૂરી શક્યતા છે.’

દશેરા જેવો શુભ દિવસ સોનું ખરીદવાનો શ્રેષ્ઠ સમય છે એ વિશે જણાવતાં રિદ્ધિસિ‌દ્ધિ બુલિયન્સ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર પૃથ્વીરાજ કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે રીતે અત્યારે માર્કેટમાં સુધારો થયો છે એ લાંબા ગાળાના વ્યુ સાથે સુધારો થયો છે. આગામી વર્ષ સુધીમાં ભાવ વર્તમાન સ્તરથી ઓછામાં ઓછા ૧૦ ટકા ઊંચા વેપારની હું અપેક્ષા રાખું છું અને એથી આજે ખરીદી કરવાનો શ્રેષ્ઠ સમય છે.’

120
ગયા દશેરામાં ૮૦ ટન સોનું વેચાયું હતું, પણ આ વખતે આટલા ટન ગોલ્ડ વેચાશે એવી શક્યતા છે

dussehra navratri 2023 navratri gold silver price mumbai mumbai news rohit parikh