આજની દશેરા રૅલીમાં બન્ને શિવસેના શું સંદેશો આપે છે એના પર છે સૌની નજર

24 October, 2023 08:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આઝાદ મેદાન તો ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની શિવાજી પાર્ક ખાતે સભા યોજવા માટેની તૈયારીઓ પૂરી થઈ

ગઈ કાલે દાદરના શિવાજી પાર્ક અને અને આઝાદ મેદાન ખાતે દશેરા રૅલીની તૈયારીઓ ચાલી રહી હતી (તસવીર : સમીર માર્કન્ડે, અતુલ કાંબળે)

શિવસેનામાં ઐતિહાસિક ભાગલા પડ્યા બાદ આજે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા શિવસેનાની પરંપરાગત બીજી દશેરાની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ‍બંને જૂથના નેતાઓ શિવસૈનિકોને શું સંદેશો આપશે એના પર બધાની નજર રહેશે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આઝાદ મેદાનમાં દશેરાની સભા યોજવા માટેની તૈયારીઓ ગઈ કાલે પૂરી કરી  લીધી હતી. ચૂંટણીપંચે શિવસેના પક્ષ અને ચૂંટણીચિહ્ન ધનુષબાણ એકનાથ શિંદે જૂથને ફાળવ્યા બાદ આ પહેલી દશેરાની સભા યોજાશે. તેમની આ સભામાં બે લાખ શિવસૈનિકો સામેલ થવાનો અંદાજ છે. આ સભા શિવાજી પાર્ક કરતાં મોટી અને સફળ રહે એ માટે એકનાથ શિંદે જૂથ દ્વારા જોરદાર તૈયારીઓ કરી હોવાનું જાણવા મળ્યું હતું. દશેરાસભાને લીધે આઝાદ મેદાનમાં રામલીલા ચાલી રહી છે એમાં અડચણ થવાની શક્યતા જોતાં રામલીલા કાર્યક્રમ અન્ય જગ્યાએ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા પણ દશેરાસભા માટેની તૈયારીઓ પૂરી દેવામાં આવી છે. આ સભા માટે બાળાસાહેબ ઠાકરેના અવાજમાં ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરે કોને નિશાન બનાવે છે અને શિવસૈનિકોને શું સંદેશો આપશે એના પર સૌની નજર રહેશે.

૧૫,૦૦૦ પોલીસનો બંદોબસ્ત

શિવસેનાની બે દશેરાસભા, વન-ડે વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા અને બંગલાદેશની વાનખેડે સ્ટૅડિયમમાં મૅચ અને દુર્ગામાતાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. એક જ દિવસમાં આ બધું છે ત્યારે મુંબઈમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૧૫,૦૦૦ પોલીસ તહેનાત કરવામાં આવશે. શિવાજી પાર્ક, આઝાદ મેદાન, ચર્ચગેટ, દાદર ચોપાટી અને ગિરગામ ચોપાટી વગેરે સ્થળોએ પોલીસ બંદોબસ્ત કરવામાં આવશે.

અબ્દુલ સત્તારને ગામમાં ન પ્રવેશવા દેવાયા

મરાઠા સમાજને આરક્ષણ આપવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ નેતાને ગામમાં પ્રવેશવા ન દેવા માટેની અપીલ મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલે રાજ્યભરના ગામવાસીઓને કરી છે. આથી અત્યાર સુધી ૫૦૦ ગામોએ નેતાઓની પ્રવેશબંધી કરી છે. રાજ્યના માઇનોરિટી પ્રધાન અબ્દુલ સત્તાર ગઈ કાલે સિલ્લોડ તાલુકાના બોરગામ સાવરણી ખાતે દશેરાની સભાનું આમંત્રણ આપવા ગામવાસીઓને ગયા હતા ત્યારે ગામલોકોએ તેમની કારના કાફલાને રોક્યો હતો. લોકોએ ‘અબ્દુલ સત્તાર ચલે જાઓ’નો સૂત્રોચ્ચાર કર્યો હતો. ગામના છોકરાઓ કારની ઉપર ચડી ગયા હતા. લોકોનું ઉગ્ર રૂપ જોઈને અબ્દુલ સત્તાર ગામમાંથી પલાયન થઈ ગયા હતા.

મરાઠા આરક્ષણ બદલ બીજી વખત જાહેરાત આપવી પડી

રાજ્ય સરકાર દ્વારા રવિવારે અખબારોમાં મરાઠા આરક્ષણ સંબંધી જાહેરાત આપવામાં આવી હતી, જેમાં કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા મરાઠા સમાજને ૧૦ ટકા આરક્ષણ આપ્યું હોવાની વાત કરવામાં આવી હતી. જોકે મનોજ જરાંગેએ રાજ્ય સરકારની આવી જાહેરાતનો વિરોધ કર્યો હતો અને મરાઠા સમાજ સરકારની આવી રીતે આરક્ષણ આપવાની જાળમાં ફસાશે નહીં એમ કહ્યું હતું. મરાઠા સમાજના વિરોધને જોઈને સરકારે ગઈ કાલે ફરી જાહેરાત આપી હતી, જેમાં મરાઠા સમાજને આરક્ષણ આપવાનું કહેવામાં આવ્યું હતું. ડિઝાઇન તૈયાર છે. મરાઠા આરક્ષણનું વચન પૂરું કરવાનું વચન આપીએ છીએ. મરાઠા સમાજના હકનું આરક્ષણ બંધારણ અને કાયદાકીય પ્રક્રિયામાં ટકે એ માટે સરકાર કટિબદ્ધ છે.

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ ગઈ કાલે કહ્યું હતું કે ‘મરાઠા સમાજને આરક્ષણ આપવા માટે સરકાર તૈયાર છે. કાયદાકીય પ્રક્રિયામાં ટકે એવુ આરક્ષણ આપવા માટે અમે કટિબદ્ધ છીએ. ઉતાવળમાં આરક્ષણનો નિર્ણય લેવામાં આવશે તો એ કાયદાકીય પ્રક્રિયામાં અટવાઈ જશે અને મરાઠા સમાજના લોકોને શિક્ષણ અને સરકારી નોકરી નહીં મળી શકે. આથી જ અમે આરક્ષણને કોઈ પડકારી ન શકે એ માટેના પ્રયાસ કરી રહ્યા છીએ.’

dussehra navratri 2023 navratri shiv sena uddhav thackeray eknath shinde azad maidan shivaji park mumbai mumbai news