‌પબ્લિક માટેની મજા અમારા માટે સજા

06 July, 2024 06:47 AM IST  |  Mumbai | Shirish Vaktania, Diwakar Sharma

મરીન ડ્રાઇવ રેસિડન્ટ‍્સ અસોસિએશન કહે છે કે અમને આ ઇવેન્ટની ખબર મીડિયા દ્વારા થઈ, લોકલ રેસિડન્ટ્સને હેરાનગતિ થાય એવું કોઈ આયોજન ભવિષ્યમાં ન જ થવું જોઈએ

મરીન ડ્રાઇવ પર ઠેર-ઠેર શૂઝ-ચંપલોનો ઢગલો. (તસવીર - કીર્તિ સુર્વે પરાડે) અને મરીન ડ્રાઇવના લોકોની ગાડીઓને થયેલું નુકસાન (તસવીર- અનુરાગ ‌અહિરે)

T20 વર્લ્ડ કપમાં વિજય મેળવ્યાની ખુશાલીમાં ગુરુવારે મરીન ડ્રાઇવમાં વિક્ટરી પરેડ કાઢવામાં આવી હતી, જેમાં લાખો ક્રિકેટફૅન પહોંચી જવાથી કલાકો સુધી આ વિસ્તાર થંભી ગયો હતો. જોકે આ મજા સ્થાનિક રહેવાસીઓ માટે સજા બની ગઈ હતી. તેમનું કહેવું છે કે અમે એવો કયો ગુનો કર્યો હતો કે અમારે કલાકો સુધી ઘરની અંદર બાનમાં રહેવું પડ્યું? ટ્રાફિક-જૅમ થઈ જવાને લીધે વાહનચાલકો અને ટૅક્સી-ડ્રાઇવરોએ પણ અસહાય બનીને છ કલાક બેસી રહેવું પડ્યું હતું.

ગુરુવારે સાંજે મરીન ડ્રાઇવમાં વર્લ્ડ કપ વિજેતા ટીમના પ્લેયરોની વિક્ટરી પરેડ ઓપન ડેક બસમાં કાઢવામાં આવી ત્યારે તેમની એક ઝલક મેળવવા માટે લાખોની સંખ્યામાં આવી પહોંચેલા લોકો ઝાડ, વાહનો અને દીવાલ પર ચડી ગયા હતા.

મજાની વાત એ છે કે પોલીસ પરેડના બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે કેટલાક લોકો તેમનાં બાળકો સાથે પોલીસની કાર પર ચડીને ડાન્સ કરતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક લોકો કારના બોનેટ પર બેસી ગયા હતા.

મરીન ડ્રાઇવ રેસિડન્ટ્સ અસોસિએશન (MDRA)ના પ્રેસિડન્ટ અશોક ગુપ્તાએ કહ્યું હતું કે ‘થૅન્ક ગૉડ, કોઈ અપ્રિય ઘટના ન બની. લોકોની ભીડ જોતાં અહીં ધક્કામુક્કી થવાની ભારોભાર શક્યતા હતી. જો એવું થયું હોત તો લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ જાત. એટલા બધા લોકો આવી પહોંચ્યા હતા કે અહીં પગ મૂકવાની જગ્યા નહોતી. સારું થયું કે કોઈ રહેવાસીને મેડિકલ ઇમર્જન્સી નહોતી આવી. કોઈને કલ્પના નહોતી કે આટલી મોટી સંખ્યામાં ક્રિકેટફૅન અહીં આવી જશે.’

કોર્ટમાં અરજી?

ક્રિકેટ બોર્ડે ભારતીય ટીમે T20 વર્લ્ડ કપમાં વિજય મેળવ્યો છે એની ખુશીમાં ધ નૅશનલ સેન્ટર ફૉર પર્ફોર્મિંગ આર્ટ્સ (NCPA)થી વાનખેડે સ્ટેડિયમ સુધી વિક્ટરી પરેડનું આયોજન કર્યું હતું. આટલું મોટું આયોજન હોવા છતાં ક્રિકેટ બોર્ડે કે મુંબઈ પોલીસે પરેડનું આયોજન કરવા બાબતે જૉઇન્ટ મીટિંગ નહોતી કરી. આના અનુસંધાનમાં અશોક ગુપ્તાએ કહ્યું હતું કે ‘અમને પણ કોઈએ જાણ નહોતી કરી. મીડિયાના માધ્યમથી અમને પરેડની જાણ થઈ હતી. બાદમાં મુંબઈ પોલીસના સોશ્યલ મીડિયા અકાઉન્ટથી આયોજનનો ખ્યાલ આવ્યો હતો. સ્થાનિક રહેવાસીઓને અગવડ થાય એવી રીતે કોઈ પણ ઇવેન્ટનું આયોજન ન થવું જોઈએ. ભવિષ્યમાં સ્થાનિક રહેવાસીઓને વિશ્વાસમાં લીધા વિના આવું આયોજન ન થાય એ માટે અમે કોર્ટમાં અરજી દાખલ કરવાનું ગંભીરતાથી વિચારી રહ્યા છીએ. લોકોનું ટોળું અમારાં બિલ્ડિંગોમાં આવી ગયું હતું અને અનેક વાહનોને નુકસાન થયું છે. ફૅન કાર પર ચડી ગયા હતા. અમને પરેડની આગોતરી જાણ કરવામાં આવી હોત તો અમે સ્થાનિક રહેવાસીઓને એ મુજબ પ્લાનિંગ કરવાની જાણ કરી શક્યા હોત અને કલાકો સુધી ઘરોમાં ગોંધાયા ન હોત.’

હાર્ટ-પેશન્ટ મુશ્કેલીમાં મુકાયા

૬૮ વર્ષના હાર્ટ-પેશન્ટ સુરેશ છાબરિયાની દાદરના ડૉક્ટરની અપૉઇન્ટમેન્ટ હોવાથી તેઓ દાદર જવા નીકળ્યા ત્યારે તેમની કાર ટ્રાફિક-પોલીસે રોકી હતી. સુરેશ છાબરિયાએ કહ્યું હતું કે ‘મારી પત્ની કાર ચલાવી રહી હતી. ટ્રાફિક-પોલીસે ૧૦ મિનિટ સુધી કાર રોકી હતી. મારે કારમાંથી બહાર નીકળીને ટ્રાફિક-પોલીસ સાથે દલીલ કરવી પડી હતી. અમને શા માટે રોકવામાં આવ્યા છે? ટ્રાફિક-મૅનેજમેન્ટ ક્યાં છે? અમે રાતના ૯.૩૦ વાગ્યે ડૉક્ટરને મળીને મરીન ડ્રાઇવ પહોંચ્યા હતા ત્યારે અહીંની સ્થિતિ ભયાનક હતી. એક થ્રી-સ્ટાર પોલીસ અધિકારીએ અમને કહ્યું કે તમે કાર આગળ લઈ જશો તો લોકો સાઇડ ​મિરર તોડી નાખશે. મેં તે પોલીસ અ​ધિકારીને કહ્યું કે હું દરદી છું અને મારી બાયપાસ સર્જરી કરવામાં આવી છે. જોકે મારી વિનંતીને સાંભળવામાં નહોતી આવી એટલે અમારે કાર ઊભી રાખીને ૩૦ મિનિટ ચાલીને ઘરે જવું પડ્યું હતું.’ 

ઇમર્જન્સીને ધ્યાનમાં રાખવાની જરૂર હતી

મરીન ડ્રાઇવના અન્ય રહેવાસી ઍડ્વોકેટ પ્રેરક ચૌધરીએ કહ્યું હતું કે ‘વર્લ્ડ કપમાં વિજય મેળવ્યો છે એટલે ટીમ ઇન્ડિયાનું સેલિબ્રેશન થાય એમાં કંઈ ખોટું નથી. જોકે પરેડના આયોજકોએ કોઈ જગ્યાએ અસંખ્ય લોકો આવી ચડે તો ઇમર્જન્સી ઊભી થાય ત્યારે કેવી સ્થિતિ થશે એના પર ધ્યાન આપવાની જરૂર હતી. કામકાજના દિવસે અચાનક આવી ઇવેન્ટથી શહેરના સૌથી વ્યસ્ત રસ્તામાં પરેડનું આયોજન કરવામાં આવ્યું એ સમજની બહાર છે.’ મરીન ડ્રાઇવમાં વાનખેડે સ્ટેડિયમ પાસેની ક્રિષ્ના સદન, ગંગા વિહાર, શિવ સદન અને જ્યોતિ સદન જેવાં બિલ્ડિંગોની બાઉન્ડરી પ્રમાણમાં નીચી છે એટલે અહીં મોટી સંખ્યામાં લોકો ચડી ગયા હતા. 

ફૅન શું કહે છે?

નાશિકથી પોતાના મોટા ભાઈ સાથે મુંબઈ વિરાટ કોહલીને જોવા આવેલા વિરાજ કડભાનેએ કહ્યું હતું કે ‘ચિક્કર ભીડને લીધે હું મારા ભાઈથી છૂટો પડી ગયો હતો. આથી હું એકલો ટ્રેનમાં ઘરે પાછો ગયો હતો. ટીમ ઇન્ડિયા અને વિરાટ કોહલી નજીકથી જોવા મળ્યા એનો ખૂબ આનંદ છે.’

વરલીથી નરીમાન પૉઇન્ટ ભાડું લઈને પહોંચેલા ટૅક્સી-ડ્રાઇવર ખલીલ અન્સારીએ કહ્યું હતું કે ‘ઘણા લોકો મારી ટૅક્સી પર ચડી જવાથી એને નુકસાન થયું હતું. મેં લોકોને દૂર રહેવાનું કહ્યું હતું, પરંતુ કોઈ સાંભળવા તૈયાર નહોતું અને સ્થિતિ કાબૂની બહાર થઈ ગઈ હતી. સદ્નસીબે ટીમ ઇન્ડિયાને નજીકથી જોઈ શક્યો, પણ ટ્રાફિકને લીધે મારો આખો દિવસ ખરાબ ગયો.’
બોરીવલીથી ઘણા ફૅન સાથે મરીન ડ્રાઇવ ગયેલા મીત ઠક્કરે તેનો કીમતી મોબાઇલ ગુમાવ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘મારો ફોન ખોવાઈ ગયો એ પહેલાં એમાં મેં અનેક ફોટો અને વિડિયો શૂટ કર્યાં હતાં. બાદમાં મેં મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનમાં ફોન ખોવાઈ જવાની ફરિયાદ નોંધાવી હતી.’

mumbai news mumbai marine drive indian cricket team mumbai police