03 May, 2024 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BMCના બુલડોઝરને લીધે જ્યાં વાયર ડૅમેજ થયો હતો એ જગ્યા
બળબળતી ગરમી વચ્ચે બુધવારે મધરાત બાદ મુલુંડમાં ૩૫૦૦ ઘરમાં બત્તી ગુલ થઈ ગઈ હતી અને એનું કારણ હતું બે એજન્સી વચ્ચે કો-ઑર્ડિનેશનનો અભાવ. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL)ના કારણે રાતના એક વાગ્યાથી પરોઢિયે ચાર વાગ્યા સુધી સેંકડો લોકો હેરાનપરેશાન થઈ ગયા હતા.
મુલુંડ-વેસ્ટના સર્વોદયનગરમાં BMCના રોડ ડિપાર્ટમેન્ટે બુધવારે મોડી રાત્રે રોડ-વાઇડનિંગનું કામ હાથ ધર્યું હતું જેમાં કૉન્ટ્રૅક્ટરની બેદરકારીથી MSEDCLના એક ફીડર પિલરનો કેબલ બુલડોઝરના ફટકાથી બ્રેક થતાં સર્વોદયનગરનાં આશરે ૩૫૦૦ ઘરોમાં પાવર કટ થયો હતો, જેનો ફૉલ્ટ શોધતાં MSEDCLને ૪૫ મિનિટ થઈ હતી અને એના બે કલાક બાદ પાવર રિસ્ટોર થયો હતો. MSEDCLએ દાવો કર્યો હતો કે BMCએ આ કામ રાત્રે થવાનું છે એની અમને પહેલાંથી જાણ જ નહોતી કરી. એની સામે BMCના રોડ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે અમે તેમને વૉટ્સઍપ પર કામ થવાનું છે એવી માહિતી આપી હતી.
જ્યાં પણ કોઈ મોટા કામ થવાના હોય તો એની જાણ BMCએ અમને લેખિતમાં કરવાની હોય છે જેથી અમે અમારા અધિકારીઓને એ જગ્યા પર ઉપલબ્ધ રાખી શકીએ એમ જણાવતાં MSEDCLના અસિસ્ટન્ટ એન્જિનિયર એસ. બોરકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘BMCએ અમને સર્વોદયનગર નજીકના કામ વિશે કોઈ માહિતી આપી નહોતી એટલે અમે કોઈ અધિકારી એના માટે ડેપ્યુટ નહોતો કર્યો. બુધવારે રાત્રે ૧.૧૯ વાગ્યે જે.એન. રોડ, મદન માલવિયા રોડ, ગૌશાળા રોડ, ઇન્દ્રનગર ૧, ૨ અને ૩, એસ.એલ. રોડ વિસ્તારનાં ૩૫૦૦ ઘરોમાં અંધારપટ છવાયો હોવાની અમને ફરિયાદ મળી હતી. તાત્કાલિક ધોરણે અમે ફૉલ્ટ શોધવા માટે અમારી ટીમ કામે લગાડી હતી. આમ છતાં પાવર ફરી ચાલુ કરવામાં ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો.’
સર્વોદયનગર પાસે જે કામ થવાનું હતું એની માહિતી અમે MSEDCLને વૉટ્સઍપ પર આપી હોવાનું જણાવતાં BMCના રોડ ડિપાર્ટમેન્ટના અસિસ્ટન્ટ એન્જિનિયર સંકેત નાનદોડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે દર વખતે લેખિતમાં આવી માહિતી આપતા હોઈએ છીએ, પણ આ વખતે અમે વૉટ્સઍપ પર માહિતી આપી હતી.