હીરાની જગ્યાએ ખાંડ અને કાચના ટુકડાઓ

03 April, 2023 08:38 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

આવી મોડસ ઑપરેન્ડી વાપરીને કાંદિવલી અને લાલબાગના બે ગુજરાતીઓએ રિયલ ડાયમન્ડને રિપ્લેસ કરીને સુરતના હીરાદલાલ સાથે કરી ૧.૧૮ કરોડના હીરાની છેતરપિંડી. ખબરીઓની મદદથી પોલીસે કરી બન્ને આરોપીની ધરપકડ

પોલીસ સાથે હીરાદલાલ મુકેશ ગોપાણી અને નરેશ સરવૈયા

સુરતના એક હીરાદલાલ પાસેથી ૧.૧૮ કરોડ રૂપિયાના ડાયમન્ડ પડાવીને વેચી નાખવાના આરોપસર મુંબઈ પોલીસે કાંદિવલી અને લાલબાગમાં રહેતા બે ગુજરાતી દલાલની બે દિવસ પહેલાં ધરપકડ કરી હતી. આરોપી દલાલો સુરત ડાયમન્ડ ખરીદવા ગયા હતા ત્યારે ફરિયાદીએ તેમને ૫૦૦ અને ૨૦૦ કૅરૅટ હીરાનાં બે પૅકેટ બતાવ્યાં હતાં. આરોપીઓએ હાથચાલાકી કરીને આ પૅકેટ બદલી લીધાં હતાં અને એને બદલે ખાંડ અને કાચ ભરેલાં પૅકેટ સુરતના દલાલને પધરાવીને પલાયન થઈ ગયા હતા. સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલાની ફરિયાદ નોંધાયા બાદ સુરત પોલીસની માહિતીના આધારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બે દલાલની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ સુરતમાં મહિધરપુરા વિસ્તારમાં રહેતા ધર્મેશ પવાસિયા હીરાની દલાલી કરે છે. તેણે ફેસબુક પર અને દલાલોના ગ્રુપમાં પોતાની પાસે ૫૦૨.૯૫ કૅરૅટ અને ૨૧૯.૪૫ કૅરૅટ ડાયમન્ડ વેચાણ માટે આવ્યા હોવાનો મેસેજ મૂક્યો હતો. આથી મુંબઈના કાંદિવલીમાં રહેતા હીરાદલાલ મુકેશ ગોપાણીએ હીરા ખરીદવામાં ઇન્ટરેસ્ટ હોવાનું ધર્મેશ પવાસિયાને કહ્યું હતું. તેણે ધર્મેશને હીરા લઈને મુંબઈ આવવાનું કહ્યું હતું, પરંતુ ફરિયાદી ધર્મેશે ખરેખર ડાયમન્ડ ખરીદવામાં રસ હોય તો સુરત આવો એમ કહેતાં આરોપી મુકેશ ગોપાણી લાલબાગમાં રહેતા હીરાદલાલ નરેશ સરવૈયાને લઈને સુરત ગયો હતો.

ધર્મેશ પવાસિયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેણે મુંબઈના હીરાદલાલોએ મહિધરપુર હીરાબજારમાં આવેલી બાલાજી કૃપા ખાતેની ઑફિસમાં ૧.૧૮ કરોડની કિંમતના હીરાનાં બે પૅકેટ બતાવ્યાં હતાં, જે જોઈને આરોપીઓએ એ ખરીદવામાં રસ બતાવ્યો હતો એટલે સોદો પાકો થયો હતો. હીરાબજારની સિસ્ટમ મુજબ ત્રણ દિવસમાં પેમેન્ટ કરીને હીરા લઈ જવાનું નક્કી થયું હતું.

ચા પાડીને પૅકેટ બદલ્યાં
આરોપી મુકેશ ગોપાણી અને નરેશ સરવૈયાએ હીરાનાં બે પૅકેટ પડાવી લેવા માટે ધર્મેશ પવાસિયાનું ધ્યાન ડાઇવર્ટ કરવાનો પ્લાન કર્યો હતો. આ વિશે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર મિલિંદ કાઠેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હીરા જોઈ લીધા બાદ એને સીલ કરીને એના પર બંને તરફના દલાલોએ સહી કરી હતી અને પૅકેટ ટેબલ પર જ હતાં ત્યારે નરેશ સરવૈયાએ ચાનો કપ પડતો મૂક્યો હતો. ધર્મેશ સરવૈયાનું ધ્યાન એ તરફ ડાઇવર્ટ થયું હતું ત્યારે આરોપી દલાલોએ પૅકેટ બદલી લીધાં હતાં. આરોપીઓએ તફડાવેલા મોટા ભાગના હીરા વેચી નાખ્યા છે અને એનું પેમેન્ટ પણ મેળવ્યું હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાયું છે. અમે આરોપી પાસેથી હીરાની રિકવરી કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ.’

વજન ઓછું લાગતાં શંકા ગઈ
ધર્મેશ પવાસિયા મુંબઈના દલાલો સાથે સોદો કર્યા બાદ હીરાનાં પૅકેટ લઈને ભાવનગર જવા નીકળ્યા હતા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે પૅકેટનું વજન ઓછું છે. હીરાનો સોદો થઈ ગયો હતો અને પૅકેટ પર બંને દલાલની સહી હતી એટલે ધર્મેશભાઈ પૅકેટ ખોલી શકે એમ નહોતા. એટલે તેમણે મુંબઈના દલાલને ફોન કર્યો હતો, પરંતુ તેમનો ફોન બંધ આવ્યો હતો. અનેક વખત પ્રયાસ બાદ પણ સંપર્ક ન થતાં દાળમાં કંઈ કાળું હોવાની શંકા જતાં ધર્મેશ પવાસિયાએ પૅકેટ ખોલતાં એમાંથી હીરાને બદલે ખાંડ અને કાચના ટુકડા નીકળ્યા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતાં તેમણે સુરતના મહિધરપુર પોલીસ સ્ટેશનમાં ૧૯ ફેબ્રુઆરીએ એફઆઇઆર નોંધાવ્યો હતો.

મુંબઈ પોલીસે ઝડપ્યા
સુરતના હીરાદલાલ પાસેથી ૧.૧૮ કરોડ રૂપિયાના હીરા તફડાવનારા બે દલાલોની માહિતી સુરત પોલીસે મુંબઈ પોલીસને આપતાં પોલીસે ખબરીઓની મદદથી કાંદિવલી-પૂર્વમાં અશોકનગરમાં આવેલા પાવાપુરી બિલ્ડિંગમાં રહેતા ૪૦ વર્ષના મુકેશ ગોપાણી અને લાલબાગમાં આંબેડકર રોડ પર આવેલા વેસ્ટર્ન હાઇટ્સ નામના બિલ્ડિંગમાં રહેતા ૩૪ વર્ષના નરેશ સરવૈયાની ચીટિંગ કરવાના આરોપસર ધરપકડ કરી હતી. 

 

mumbai mumbai news Crime News mumbai crime news surat kandivli lalbaug prakash bambhrolia