02 October, 2024 08:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગોરેગામ ઈસ્ટમાં ગઈ કાલે સવારે એક ડમ્પરે મોટરસાઇકલને અડફેટે લેતાં પિતા સાથે સ્કૂલે જઈ રહેલી ટીનેજર છોકરીનું મોત થયું હતું, જ્યારે તેના પિતા પણ એ ઘટનામાં ઘવાતાં તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અકસ્માતની આ ઘટના ગઈ કાલે સવારે ૬.૪૫ વાગ્યે ગોરેગામ ઈસ્ટના ફિલ્મસિટી રોડ પર બની હતી. પૂરઝડપે જઈ રહેલા ડમ્પરે બાઇકને અડફેટે લીધી હતી. એ બાઇક પર ૧૩ વર્ષની વનમાઈ મોરે તેના પિતા સાથે સ્કૂલ જઈ રહી હતી. ડમ્પરે અડફેટે લેતાં વનમાઈ ઊછળીને જોશભેર રસ્તા પર પટકાઈ હતી, જેના કારણે તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. તેના પિતા પણ ઘાયલ થયા હતા. તેમને અન્ય લોકો સારવાર માટે હૉસ્પિટલ લઈ ગયા હતા. લોકોએ, અન્ય વાહનચાલકોએ આગળ જઈ ડમ્પરનો પીછો કરી એના ડ્રાઇવરને ઝડપ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો. દિંડોશી પોલીસે આ સંદર્ભે તપાસ કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી હતી.