આજે થાણે અને કલ્યાણ-ડો​મ્બિવલીમાં સ્કૂલ-કૉલેજોમાં રજા

26 July, 2024 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે પડેલા મુશળધાર વરસાદને લીધે પુણેમાં ચાર અને બદલાપુરના બારવી ડૅમમાં બે જણ મળીને કુલ છ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

થાણે બન્યું જળબંબાકાર

હવામાન ખાતાએ ભારેથી અતિભારે વરસાદને કારણે આજે પણ રેડ અલર્ટ જાહેર કરી હોવાથી થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) અને કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશને સ્કૂલ-કૉલેજમાં રજા જાહેર કરી છે.

અંબરનાથમાં ધોધમાર વરસાદ પડતાં આવેલાં પૂરને કારણે સહવાસ વૃદ્ધાશ્રમના ૧૮ સિનિયર સિટિઝનને બીજા વૃદ્ધાશ્રમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને તેમને પહેલે માળે રાખવામાં આવ્યા હતા. એ જ રીતે સત્કર્મ આશ્રમનાં ૩૦ બાળકો અને સ્ટાફ-મેમ્બર્સને પ્રગતિ અંધ વિદ્યાલયમાં ખસેડવામાં આવ્યા હતા. એ સિવાય બેઝિક સર્વિસિસ ફૉર ધ અર્બન પુઅર હેઠળના આવાસમાં રહેતા ૨૦૦ જણને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા હતા. કલ્યાણમાં ૪૦ પરિવારના ૧૫૬ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

નવી મુંબઈની શાકભાજી માર્કેટમાં પાણી ભરાયાં

નવી મુંબઈના વાશીમાં આવેલી ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ની શાકભાજી માર્કેટમાં ગઈ કાલે પાણી ભરાઈ ગયાં હતાં જેમાં લોકોએ ભારે હાડમારી વેઠવી પડી હતી. કેટલીક જગ્યાએ ઘૂંટણ સમાં પાણી ભરાયાં હતાં. એવો આક્ષેપ થઈ રહ્યો હતો કે ગટર બરોબર સાફ થઈ ન હોવાથી એ ચૉકઅપ થઈ જતાં પાણીનો યોગ્ય રીતે નિકાલ નહોતો થઈ શક્યો. એ ઉપરાંત અન્ય માર્કેટોની ગલીઓમાં પણ પાણી ભરાયાં હતાં.

થાણેમાં બસ-રૂટ કૅન્સલ થયા

થાણે જિલ્લામાં વરસાદને કારણે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશને થાણેના ઘણા બધા રૂટ પરની બસ-સર્વિસ રદ કરી હતી; જેમાં મુરબાડના પાંચ, થાણે, વાડા, કલ્યાણ અને વિઠ્ઠલવાડી ડેપોની બસોનો સમાવેશ હતો. થાણે જિલ્લાની ઘણી નદીઓમાં પૂર આવતાં એની ઉપરના બ્રિજ પર પાણી ફરી વળતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ચારે બાજુ પાણી, પરંતુ પીવાના પાણીના ધાંધિયા

ગઈ કાલે ઉલ્હાસ નદીમાં પૂર આવતાં માહોલીમાં આવેલા ફિલ્ટરેશન પ્લાન્ટમાં પાણી ઘૂસી જતાં પ્લાન્ટ બંધ કરી દેવો પડ્યો હતો. હવે એ પાણી ઓસરશે ત્યાર બાદ રિપેરિંગ કરીને પ્લાન્ટ શરૂ થઈ શકશે. કલ્યાણ-વેસ્ટ, ટિટવાલા, વડવલી, આમ્બિવલી મોહને જેવા વિસ્તારોમાં પાણીની સપ્લાય અટકી ગઈ છે. આમ ચારે બાજુ ભરપૂર પાણી હતું, પણ પીવાના પાણીના ધાંધિયા જેવી પરિસ્થિતિ ત્યાંના રહેવાસીઓએ ભોગવવી પડી છે.

મહાદેવને જળાભિષેક

અંબરનાથની વાલધુની નદીમાં પૂર આવતાં એનાં પાણી અંબરનાથના પ્રાચીન શિવમંદિરના ગર્ભગૃહમાં ભરાયાં હતાં અને આમ મહાદેવ પર જળાભિષેક થયો હતો. અત્યારે ભાવિકો માટે દર્શન બંધ કરવામાં આવ્યાં છે.

 

mumbai news mumbai thane municipal corporation kalyan dombivli monsoon news mumbai monsoon