29 November, 2022 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
અંધેરીનો ગોપાલકૃષ્ણ ગોખલે ફ્લાયઓવર બંધ થવાને કારણે મેટ્રોની સર્વિસના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ઘાટકોપરથી અંધેરી અને વર્સોવા મેટ્રો રેલનો પૅસેન્જરો વધુ લાભ લઈ શકે એ ઉદ્દેશથી મેટ્રોએ હવે એની સેવાના સમયમાં વધારો કર્યો છે. હવેથી મેટ્રોની પ્રથમ ટ્રેન વર્સોવા અને ઘાટકોપર બન્ને સ્ટેશનો પરથી સવારે સાડાપાંચ વાગ્યે શરૂ કરવામાં આવશે, જ્યારે વર્સોવાથી છેલ્લી ટ્રેન રાતના ૧૧.૨૦ વાગ્યે અને ઘાટકોપરથી રાતના ૧૧.૪૫ વાગ્યે ઊપડશે એવી જાણકારી મુંબઈ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડના પ્રવક્તાએ ગઈ કાલે આપી હતી.
અત્યારે આ મેટ્રો લાઇન પર વીક-ડેની રાઇડરશિપ ૩,૮૦,૦૦૦ છે, જેમાં બન્ને બાજુથી એક કલાકનો સમય વધારી દેતાં મેટ્રોની રાઇડરશિપમાં વધારો થવાની પૂરી શક્યતાઓ છે.
મુંબઈનું જનજીવન વહેલી સવારથી મોડી રાત સુધી સક્રિય હોય છે એમ જણાવીને મુંબઈ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડના પ્રવક્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સેવાના સમયમાં વૃદ્ધિ થતાં હવે લોકો વધારેમાં વધારે સુવિધાઓ મેળવી શકશે. રોગચાળા પછી દિવસની પ્રથમ ટ્રેન સવારે ૬.૩૦ વાગ્યે હતી અને છેલ્લી ટ્રેન રોગચાળા પહેલાંના સમય મુજબ ચલાવવામાં આવતી હતી. અત્યાર સુધી અમારી અઠવાડિયાના દિવસોમાં દૈનિક ટ્રિપ્સ ૩૬૬ હતી જે હવે વધીને ૩૮૦ થશે. અમારી સેવા જે પ્રમાણે છે એ પ્રમાણે જ ચાલતી રહેશે. ટ્રેનની ફ્રીક્વન્સી પીક-અવર્સ દરમ્યાન ચાર મિનિટથી ઓછી હોય છે અને બાકીના સમયમાં પાંચથી આઠ મિનિટથી ઓછી હોય છે.’