03 November, 2022 08:59 AM IST | Mumbai | Priti Khuman Thakur
નવજાત બાળકના હાથ પર સલાઇન લગાડ્યા બાદ ત્યાં ગૅન્ગ્રીન થઈ જતાં હાથ (જમણે) કાપવો પડ્યો હતો. (તસવીર : મહેશ ગોહિલ)
નાલાસોપારામાં રહેતી અંજલિ વાલા નામની ગુજરાતી મહિલાને પાંચમી ઑક્ટોબરે નાલાસોપારાની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ડિલિવરી માટે દાખલ કરવામાં આવી હતી. મહિલાએ બીજા દિવસે જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો. બાળકોનો જન્મ થતાં તેઓ ખૂબ ખુશ હતાં, પરંતુ આ ખુશી વધુ સમય રહી નહોતી. જોડિયાં બાળકોના જન્મ બાદ સારવાર કરતા ડૉક્ટરે તેમને જણાવ્યું હતું કે બન્ને બાળકો સ્વસ્થ છે અને તેમની તબિયત પણ સારી છે, પરંતુ થોડા વખત બાદ ડૉક્ટરે કહ્યું કે ફક્ત એક બાળકની શુગર ઓછી હોવાથી તેને સલાઇન લગાડવી પડશે. એમ કહીને ડૉક્ટરોએ તેને સલાઇન લગાડી હતી. દરમ્યાન બાળકનો જમણો હાથ કાળો પડવા લાગ્યો હતો. આ જોતાં અંજલિ વાલાએ તરત ડૉક્ટરને આ વિશે પૂછ્યું હતું. એ વખતે અંજલિને કહેવાયું હતું કે માલિશ કરવાથી એ જતું રહેશે. એમ છતાં બાળકની તબિયતમાં કોઈ સુધારો ન થતાં માતા-પિતા તેને મુંબઈની વાડિયા હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં. આ વખતે બાળકના હાથમાં ગૅન્ગ્રીન થઈ ગયું હોવાનું જણાવાયું હતું, જેના કારણે બાળકનો જમણો હાથ કાપવો પડશે એવું કહેવાયું હતું.
આ સંદર્ભે માહિતી આપતાં પાલઘર જિલ્લા સર્જિકલ મેડિકલ ઑફિસર ડૉ. સંજય બોદાડેએ જણાવ્યું હતું કે ‘આ વિશે એક અરજી મળી છે. આ વિશે વહેલી તકે તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.’
નાલાસોપારા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિલાસ સુપેએ પણ કહ્યું કે ‘પોલીસ મેડિકલ ફરિયાદના આધારે સીધો કેસ દાખલ કરી શકતી નથી, પરંતુ જિલ્લા તબીબી અધિકારીનો રિપોર્ટ જરૂરી છે. એથી એ મળી જશે તો પેરન્ટ્સની અરજી પર નિયમ મુજબ કાર્યવાહી કરાશે.’
આ ઘટના જ્યાં બની હતી એ ત્રિવેણી હૉસ્પિટલના વરિષ્ઠ ડૉક્ટર શ્યામ પારસકરે ‘મિડ-ડે’ને માહિતી આપી હતી કે ‘બાળકને યોગ્ય પદ્ધતિથી સારવાર આપવામાં આવી હતી. બન્ને બાળકોની બાળરોગચિકિત્સકની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હતી. એક બાળકનું બ્લડ-શુગર ઘટી જતાં તેને સલાઇન આપવામાં આવી હતી, પરંતુ એ બાળકની તબિયત વધુ બગડતાં તેનાં માતા-પિતા તેને સારવાર માટે બીજી હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં. એથી આગળ એમાં શું થયું એ કહી શકાય એમ નથી, પણ અમે માતા-પિતાનું દુ:ખ સમજી શકીએ છીએ.’
ધ્રૂસકે-ધ્રૂસકે રડતાં બાળકોની મમ્મી અંજલિ વાલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘લગ્નનાં પાંચ વર્ષ બાદ હું પ્રેગ્નન્ટ થઈ અને જોડિયાં બાળક હોવાથી અમે ખૂબ ખુશ હતાં. મને નવમો મહિનો બેઠો હતો અને વજન ખૂબ વધતાં અને દુખાવો થતાં ડિલિવરી કરી હતી. પાંચમી ઑક્ટોબરે મેં બે બાળકોને જન્મ આપ્યો હતો. બન્ને એકદમ વ્યવસ્થિત હતાં અને ડૉક્ટરોએ પણ અમને એમ જ કહ્યું, પરંતુ એકની શુગર ઓછી હોવાની પણ વાત કરી હતી. જન્મના જ દિવસે પહેલાં તેને ડાબા હાથે આઇવી લગાડી અને એ હાથ લાલ થતાં અને સોજો આવતાં તેમણે જમણા હાથે આઇવી લગાડી હતી. એ હાથ કાળો પડવા લાગતાં અમે તરત કહ્યું તો તેમણે કહ્યું કે કંઈ નહીં, નૉર્મલ છે, માલિશ કરીશું તો સારું થઈ જશે. ત્યાર બાદ હૉસ્પિટલના મુખ્ય ડૉક્ટર આવ્યા અને તેમણે પગમાં નસ શોધીને જાડી નીડલનો ઉપયોગ કરતાં મારો દીકરો બસ રડતો જ રહ્યો. હું તો એ જોઈને રડતી જ હતી. બન્ને પ્રીમૅચ્યોર હતાં તો તેમને કાચની પેટીમાં રાખીને ઇલાજ કેમ ન કર્યો? આ લોકો યોગ્ય ઇલાજ કરતા ન હોવાથી અમે તરત બાળકને નાલાસોપારાની બીજી હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં. ત્યાં ડૉક્ટરે બાળકને કાચની પેટમાં રાખી સારવાર આપી, પરંતુ બાળકની સારવાર અહીં નહીં થાય એટલે બીજે લઈ જવાની વાત કરી હતી. એથી ઍમ્બ્યુલન્સ કરીને તેને વાડિયા હૉસ્પિટલમાં લઈ ગયા. ત્યાં ડૉક્ટરોએ બ્લડ સર્ક્યુલેશન થતું ન હોવાથી વધુ સમસ્યા થઈ જશે એટલે હાથ કાપવો પડશે એવું કહ્યું હતું. બીજા બાળકને કમળો થઈ ગયો અને તેને બીજી હૉસ્પિટલમાં, હું ત્રિવેદી હૉસ્પિટલમાં અને બીજો દીકરો વાડિયા હૉસ્પિટલમાં દાખલ હતાં. ૧૩ ઑક્ટોબરે બાળકની સર્જરી કરાઈ અને એક દિવસ પહેલાં જ તેને ઘરે લાવવામાં આવ્યો છે. આંખ સામે બાળક હાથ હલાવવાની કોશિશ કરે છે અને રડે છે. એક બાળકની આવી હાલત કરવા છતાં હૉસ્પિટલ સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી. અમે ન્યાય માટે બધે જઈએ છીએ, પરંતુ કંઈ હાથમાં આવી રહ્યું નથી. જીવનમાં ક્યારેય રડી નહીં હોઉં એવું હાલમાં એટલું રડી છું જેથી દૂધ પણ આવી રહ્યું નથી. અમે ભાડાના ઘરમાં રહીએ છીએ અને મારા પતિની નોકરી પણ હૉસ્પિટલના ચક્કરમાં છૂટી ગઈ છે.’
વસઈ-વિરાર મહાનગરપાલિકાનાં મેડિકલ ઑફિસર હેડ ડૉ. ભક્તિ ચૌધરીએ ‘મિડ-ડે’ને આ વિશે જણાવ્યું હતું કે ‘આ મામલે પરિવારે મહાનગરપાલિકાને પત્ર લખ્યો નથી કે ફરિયાદ આપી નથી. તેમણે પાલઘર જિલ્લાના સિવિલ સર્જ્યનને પત્ર મોકલ્યો છે. જોકે આ હૉસ્પિટલ અને બનાવ વસઈ-વિરાર મહાનગરપાલિકાના હેઠળ થયો છે. માનવતાના દૃષ્ટિકોણથી મને આ વિશે જાણકારી મળતાં તરત જ મેં બાળકની તમામ ફાઇલ અને હૉસ્પિટલથી તમામ માહિતી લઈને આ કેસની તપાસ કરવા માટે સામેથી બધું મગાવ્યું છે. કેસની તમામ પ્રકારની તપાસ કર્યા બાદ યોગ્ય એવી ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.’