બાંદરામાં બિઝનેસમૅનના નબીરાનું પૉર્શે કારમાં બેફામ ડ્રાઇવિંગ

08 December, 2024 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાર્ક કરેલી પાંચ બાઇકોને ઠોકી દીધી : દારૂ પીધો હતો કે કેમ એ ચકાસવા પોલીસે બ્લડ-સૅમ્પલ લીધું

પ્રતીકાત્મક તસવીર

પુણેમાં પૉર્શે કાર પૂરઝડપે ચલાવી બે IT એન્જિનિયરના મોતનો કિસ્સો બહુ જ ચર્ચાસ્પદ રહ્યો હતો. એવી જ એક ઘટના વિલ પાર્લેમાં રહેતા જાણીતા બિઝનેસમૅનના ૧૯ વર્ષના દીકરા સાથે બની છે. તેણે તેની પૉર્શે કાર બાંદરા-વેસ્ટના સાધુ વાસવાની ચોક પાસે પાર્ક કરેલી બાઇક્સ સાથે ઠોકી દીધી હતી. શુક્રવારે મધરાત બાદ ૨.૪૦ વાગ્યે બનેલી આ ઘટના ત્યાં લગાવવામાં આવેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝિન (CCTV) કૅમેરામાં આવી ગઈ હતી. બાંદરા પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના કહેવા મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ ઘાયલ પણ થયું નથી. પાંચ જેટલી બાઇકને આ દુર્ઘટનામાં નુકસાન પહોચ્યું હતું.

આ અકસ્માત કરનાર ૧૯ વર્ષનો ધ્રુવ ગુપ્તા સ્ટુડન્ટ છે. તે તેના મિત્રો સાથે ગાડીમાં હતો. પોલીસનું કહેવું છે કે ‘ધ્રુવ ગુપ્તાએ એમ કહ્યું હતું કે તેનું સ્ટીઅરિંગ જૅમ થવાને કારણે આ અકસ્માત થયો હતો. પોલીસે તેની સામે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવાનો ગુનો નોંધી તેને નોટિસ ઇશ્યુ કરી છે. તેનાં બ્લડ-સૅમ્પલ પણ લેવાયાં છે અને એ ચકાસણી માટે ફૉરે​ન્સિક લૅબમાં મોકલાવામાં આવ્યાં છે.’

CCTV ફુટેજમાં દેખાય છે કે તેમની કાર ઝડપથી આવે છે અને પાર્ક કરેલી બાઇકો સાથે જોશભેર અથડાય છે. ત્યાર બાદ કાર ઊભી રહી જાય છે અને પાંચ જણ એમાંથી ઊતરે છે, જેમાં એક યુવતી પણ દેખાય છે. તેઓ આગળ જઈ કાર નીચે બાઇક આવી ગઈ છે એ પણ જુએ છે. એ પછી યુવતી ફરી પાછી જઈને કારની ડ્રાઇવરની બાજુની સીટ પર બેસી જાય છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે કાર ચલાવતી વખતે તેમણે દારૂ પીધો હતો કે નહીં.

bandra road accident mumbai police mumbai news mumbai news