ન વાંક ન ગુનો, બીજાની ભૂલે યુવતીનો જીવ લીધો

03 September, 2024 08:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બેસ્ટની બસમાં દારૂડિયાએ ધમાલ મચાવીને સ્ટિયરિંગ ખેંચતાં થયો અકસ્માત, બસે ૯ જણને અડફેટે લીધા એમાં લાલબાગની નૂપુર મણિયારે જીવ ગુમાવ્યો

અકસ્માતમાં મૃત્યુ પામેલી નૂપુર મણિયાર

ગણપતિના આગમનને અઠવાડિયું બાકી હોવાથી રવિવારે રાતે લાલબાગમાં ખરીદી કરવા માટે અસંખ્ય લોકો ઊમટી આવ્યા હતા એ વખતે ૮.૪૫ વાગ્યે બેસ્ટની સાયનના રાણી લક્ષ્મી ચોક જઈ રહેલી ૬૬ નંબરની એક બસે રસ્તે ચાલતા રાહદારીઓ, બે સ્કૂટી અને એક કારને અડફેટમાં લીધાં હતાં જેમાં ૯ જણ ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં લાલબાગમાં રહેતી ૨૭ વર્ષની નૂ​પુર મણિયાર ગંભીર ઈજા પામતાં તેને કિંગ એડવર્ડ મેમોરિયલ (KEM) હૉસ્પિટલ લઈ જવાઈ હતી, પણ સારવાર દરમ્યાન તે મૃત્યુ પામી હતી. અન્ય ઈજાગ્રસ્તોને પણ નાની-મોટી ઈજા થઈ છે. 
 આ અકસ્માત કઈ રીતે થયો એ વિશે માહિતી આપતાં ભોઈવાડા ડિવિઝનનાં અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ કલ્પના ગાડેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મળતી માહિતી પ્રમાણે દારૂના નશામાં ૪૦ વર્ષના પૅસેન્જર દત્તા મુરલીધર શિંદેનો ૪૦ વર્ષના બસ-ડ્રાઇવર કમલેશ પ્રજાપતિ સાથે વિવાદ થયો હતો. દત્તાએ બસ ઊભી રાખવાનું કહ્યું ત્યારે ડ્રાઇવરે કહ્યું કે અહીં સ્ટૉપ નથી એટલે બસ વચ્ચે ઊભી ન રાખી શકાય, તમે આગળના સ્ટૉપ પર ઊતરજો. આમ છતાં આરોપી તેને બસ રોકવાનું દબાણ કરતો રહ્યો એટલે ડ્રાઇવરે કહ્યું કે આગળ સિગ્નલ છે ત્યાં ઊતરી જજો, પણ આરોપી ન માન્યો અને તેણે સ્ટિયરિંગ-વ્હીલ જાતે જ વાળવાનો પ્રયાસ કર્યો, જેમાં આ અકસ્માત થયો. બસ એક બાજુ ફંટાઈ ગઈ અને એ બસે રાહદારીઓ, સ્કૂટી અને કારને અડફેટે લઈ લીધાં, જેમાં એક યુવતીનું ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું છે. કાળા ચૌકી પોલીસે આરોપીને ઝડપી લઈને તેની સામે ગુનો નોંધ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.’

નૂપુર જ્યાં રહેતી હતી એ ચિંચપોકલીના મ્હાડાના મુક્તાઈ બિલ્ડિંગના સેક્રેટરી દિનેશ સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નૂપુર સુભાષ મણિયાર અને તેનો પરિવાર મૂળ સિંધુદુર્ગના ખારે પાટણનો છે.  પિતાનું કોવિડ દરમ્યાન મૃત્યુ થયું હતું અને તેઓ ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા એટલે પપ્પાની જગ્યાએ તેને જૉબ મળી હતી. પરિવારમાં તે એકલી જ કમાનાર હતી અને એને લીધે મમ્મી તથા નાની બહેનનું ગુજરાન ચાલતું હતું. નૂપુરનાં નવેમ્બરમાં લગ્ન થવાનાં હતાં. તે બૉયફ્રેન્ડ સાથે બાઇક પર જઈ રહી હતી ત્યારે બસે બાઇકને અડફેટે લેતાં તેની બાઇક આગળ જઈ રહેલી કાર સાથે જોશભેર અથડાઈ હતી એટલે નૂપુર ઊછળીને જમીન પર પટકાઈ હતી, જેમાં તેને માથામાં ગંભીર ઈજા થઈ અને તેના બૉયફ્રેન્ડને પગમાં ફ્રૅક્ચર આવ્યું છે. પોલીસે પોસ્ટમૉર્ટમ કર્યા બાદ નૂપુરનો મૃતદેહ ગઈ કાલે બપોરે પરિવારને સોંપતાં સાંજે ૬ વાગ્યે ભોઈવાડા સ્મશાનભૂમિમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જોકે એ વખતે તેનો બૉયફ્રેન્ડ વ્હીલચૅરમાં તેની અંતિમવિધિમાં ગયો હતો. એ વખતે વાતાવરણ ભારે ગમગીન થઈ ગયું હતું.’    

બેસ્ટના પબ્લિક રિલેશન્સ ઑફિસર સુદાસ સાવંતે આ અકસ્માત બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ અમારી ઑલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડની કૉન્ટ્રૅક્ટ પર લીધેલી બસ છે અને એ ડ્રાઇવર પણ એનો જ કર્મચારી છે. પોલીસ આ અકસ્માત સંદર્ભે વધુ કાર્યવાહી કરી રહી છે.’ 

mumbai news mumbai road accident lalbaug mumbai crime news