નવાઈની વાત : મુંબઈમાં ભ્રષ્ટાચારના કેસમાં થયો ધરખમ ઘટાડો

03 January, 2025 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ACBના આંકડાને માનીએ તો ૨૦૨૪માં માત્ર ૩૯ જ કેસ નોંધાયા : આખા રાજ્યમાં કુલ ૭૧૩ ગુનાની નોંધ કરવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

ઍન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)ની વાત માનીએ તો મહારાષ્ટ્રમાં ભ્રષ્ટાચારના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને એમાં પણ મુંબઈમાં તો એમાં ધરખમ ઘટાડો થયો છે. ગયા વર્ષે આખા રાજ્યમાં ભ્રષ્ટાચારના ૭૧૩ કેસ જ બન્યા હતા જે ૨૦૧૪ના ૧૩૧૬ કેસની સામે અડધાથી થોડા જ વધારે છે. છેલ્લાં દસ વર્ષમાં કરપ્શનના કેસમાં ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો હોવાનું ACBના આંકડા કહે છે.
આ ૭૧૩ કેસમાંથી સૌથી વધુ ૧૫૨ ગુના નાશિકમાં નોંધાયા છે. ત્યાર બાદ ૧૪૯ કેસ સાથે પુણેનો નંબર આવે છે, જ્યારે મુંબઈમાં માત્ર ૩૯ કેસ જ રજિસ્ટર થયા હતા. થાણેમાં ભ્રષ્ટાચારના ૭૩ કેસની નોંધ થઈ હતી. નાગપુર, અમરાવતી અને છત્રપતિ સંભાજીનગરમાં અનુક્રમે ૬૨, ૬૮ અને ૧૧૨ કેસ નોંધાયા હતા.

સરકારી ખાતાંઓમાં સૌથી વધારે ભ્રષ્ટાચારના ૧૮૦ કેસ મહેસૂલ વિભાગમાં અને ત્યાર બાદ ૧૩૭ કેસ પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોંધાયા હતા.

mumbai news mumbai anti-corruption bureau Crime News maharashtra news