આગમાં ખાખ થઈ ગયેલા જૈન શ્રેષ્ઠીનાં સંતાનોના ઘરને નવેસરથી બાંધવા માટે દાતાઓ આગળ આવ્યા

10 August, 2024 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેનું શ્રી આદિ ઘંટાકર્ણ ચૅરિટેબલ ટ્રસ્ટ, મહુવા સંઘ અને વિજય વોરા નવનિર્માણ માટે જરૂરી બાવીસથી પચીસ લાખ રૂપિયા આપશે: દોઢથી બે મહિનામાં બેઘર બનેલાં ભાઈ-બહેન તેમના ઘરમાં ફરીથી રહેવા જઈ શકશે

૨૦ જુલાઈના ‘મિડ-ડે’ના આ અહેવાલમાં લખવામાં આવ્યું હતું કે પ્રકાશ ગાંધી અને સરલા ગાંધીનું ઘર હજી બિસ્માર હાલતમાં છે. એને પગલે તેમને મદદ કરવાનું​ વિચારબીજ રોપાયું હતું.

દક્ષિણ મુંબઈમાં ભીંડીબજારની ચકલા સ્ટ્રીટમાં કૃષ્ણ પ્રસાદ બિલ્ડિંગમાં ચોથા માળે આવેલા જૈન સમાજના અગ્રણી હરખચંદ ગાંધીનાં સંતાનોના ઘરમાં ૧૭ જૂને આગ લાગવાથી બધું બળીને ખાખ થઈ ગયું હતું. આ ઘટનાથી બે અપરિણીત ભાઈ-બહેન પ્રકાશ અને સરલા ગાંધી બેઘર બની ગયાં છે, જ્યારે તેમનાં મોટા ભાઈ અને ભાભી નજીકમાં આવેલા તેમના પુત્રના ઘરે રહે છે. પ્રકાશભાઈ અને સરલાબહેન માધવબાગની ધર્મશાળામાં રાત ગુજારે છે અને દિવસે તેઓ આગ બાદ ઘરના ચાલી રહેલા કામનું ધ્યાન રાખી રહ્યાં છે. નવેસરથી ઘર બાંધવા માટે પંદરેક લાખ રૂપિયાની જરૂર હોવાનો અહેવાલ ‘મિડ-ડે’એ ૨૦ જુલાઈએ પ્રકાશિત કર્યો હતો. આ સમાચાર વાંચ્યા બાદ વિવિધ સંસ્થાઓએ પ્રકાશભાઈ અને સરલાબહેનને નાની-મોટી મદદ આપવાની શરૂઆત કરી હતી, પરંતુ તેમને ઘર તૈયાર કરીને એમાં રહી શકાય એ માટેની મોટી રકમ નહોતી મળતી. આથી ભાઈ-બહેને ફરી પોતાના ઘરમાં રહેવા જવાની આશા છોડી દીધી હતી.

આગ લાગ્યાના પોણાબે મહિના બાદ પણ પ્રકાશભાઈ અને સરલાબહેનને ઘર બાંધવા માટેની મદદ મળી ન હોવાની જાણ થતાં શ્રી આદિ જિન યુવક ચૅરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને જીવદયાપ્રેમી મનીષ શાહ ગયા રવિવારે કૃષ્ણ પ્રસાદ બિલ્ડિંગની મુલાકાત લઈને પ્રકાશ ગાંધીને મળ્યા હતા. આ વિશે મનીષ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે આગમાં સળગી ગયેલા પ્રકાશ ગાંધીના ઘરને નવેસરથી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. કૉન્ટ્રૅક્ટર સાથે મેં વાત કરીને નવેસરથી બાંધકામ સાથે ઘરની તમામ સામગ્રી માટે બાવીસથી પચીસ લાખ રૂપિયાની જરૂર હોવાનું જાણ્યું હતું. આથી દાતાઓનો સંપર્ક કર્યો હતો. થાણેના ટિપટૉપ પ્લાઝાના માલિક અને શ્રી આદિ ઘંટાકર્ણ ચૅરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મનોજ શાહ, મુંબઈના મહુવા સંઘ અને વિજય વોરાને આ બાબતે રજૂઆત કરી હતી. તેમણે જૈન ધર્મના શ્રેષ્ઠી વીરચંદ ગાંધી અને હરખચંદ ગાંધીનાં સંતાનો પ્રકાશભાઈ અને સરલાબહેન ગાંધી ફરી તેમના ઘરમાં જઈ શકે એ માટે દાનની ટહેલ નાખી હતી. જોકે ટહેલ નાખ્યા બાદ મનોજ શાહ, વિજય વોરા અને મહુવા સંઘના અગ્રણીઓની બેઠક મળી હતી અને તેમણે પોતે જ મકાન બનાવવા માટે જરૂરી રકમ આપવાનો નિર્ણય લીધો હતો. આથી તરત જ તેમણે જરૂરી રકમ આવી ગઈ છે એટલે હવે દાનની જરૂરત નથી એવી નોંધ લેવાનો મેસેજ બધાને મોકલ્યો હતો. આ દાતાઓએ ઘર બનીને તૈયાર થવાની સાથે ઘરની તમામ વસ્તુઓ પૂરી પાડવાનું કહ્યું છે. દાતાઓ મળી જતાં જરૂરી રૂપિયા ઘરનું કામ જેમ-જેમ આગળ વધશે એમ ચેકના માધ્યમથી પ્રકાશભાઈ અને સરલાબહેનને આપવામાં આવશે. ‘મિડ-ડે’એ આ સમાચાર છાપ્યા એટલે બધાને ખ્યાલ આવ્યો કે જૈન ધર્મના શ્રેષ્ઠીનાં સંતાનો બેઘર અને બેહાલ બન્યાં છે. ‘મિડ-ડે’ના અહેવાલ થકી જ દાતાઓને દાન આપવાની પ્રેરણા મળી અને જૈન શ્રેષ્ઠીનાં સંતાનોને ફરી તેમનું ઘર મળશે.’

 

mumbai news mumbai south mumbai fire incident gujaratis of mumbai gujarati community news jain community