પૈસા માટે દૂધની લાજ પણ ન રાખી

14 June, 2023 09:03 AM IST  |  Mumbai | Rohit Parikh

પોલીસનું કહેવું છે કે ઑનલાઇન જુગારના રવાડે ચડેલા ભવ્ય ગડાએ ગુણવંતીબહેનને મળવા તેમના ઘરે ગયા પછી તેમણે આપેલું દૂધ પીધું હતું. એ વખતે તેની નજર ગુણવંતીબહેને પહેરેલા સોનાના દાગીના પર જતાં તેણે તેમને લૂંટીને હત્યા કરવાનો ખતરનાક નિર્ણય લીધો હતો

ભવ્ય પીયૂષ ગડા, ગુણવંતી વલ્લભજી વીંછીવોરા

ઑનલાઇન જુગારના રવાડે ચડેલા ડોમ્બિવલીના ૨૧ વર્ષના ભવ્ય પીયૂષ ગડાએ પૈસાની લાલચમાં આવીને તેની દાદીની ઉંમરનાં માંડવી તાલુકાના ગઢશીશામાં રિદ્ધિ અપાર્ટમેન્ટમાં રહેતાં ધર્મિષ્ઠ અને મૂળ ચેમ્બુરનાં ૭૩ વર્ષનાં ગુણવંતી વલ્લભજી વીંછીવોરાના દાગીના લૂંટીને ગુરુવાર, ૮ જૂને સાંજના પાંચથી સાડાસાત વાગ્યાની વચ્ચે તેમનું  ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ભવ્ય ગુણવંતીબહેનની ઠંડે કલેજે હત્યા કરી તેમની ડેડ-બૉડીને તેમના જ ફ્લૅટમાં બંધ કરી બહારથી તાળું મારીને ડોમ્બિવલી આવી ગયો હતો. જોકે પોલીસતપાસમાં ભવ્યનું કારસ્તાન પ્રકાશમાં આવી જતાં તે અત્યારે ગઢશીશાની જેલમાં છે.

આ બાબતની માહિતી આપતાં ગઢશીશાના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. એન. વસાવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવાર, આઠ જૂન પછી ગુણવંતીબહેન દેરાસરમાં કે તેમની સોસાયટીમાં નજરે ન આવતાં સ્થાનિક જૈન સમાજના કાર્યકરોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. તેમના ફ્લૅટની બહાર તાળું હોવાથી પહેલી નજરે તેઓ બહારગામ ગયાં હોય એવું લાગતું હતું. જોકે તેમના ફ્લૅટનું તાળું તોડીને અંદર ગયા પછી અમે જોયું કે ગુણવંતીબહેનની ડેડ-બૉડી રસોડામાં પડી હતી. તેમના કાનની સોનાની બુટ્ટી અને હાથની સોનાની બંગડીઓ ગાયબ હતી. તરત જ અમને શંકા ગઈ કે તેમની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે. જોકે તેમના જેવા ધર્મિષ્ઠ જીવની હત્યા કોણ કરે? એ તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે તેમની બાજુમાં રહેતાં હાંસબાઈ ગડાના ઘરે તેમનો પૌત્ર મંગળવાર, ૬ જૂને ડોમ્બિવલીથી આવ્યો હતો, જે ગુણવંતીબહેનની હત્યા થયા પછી ગાયબ થઈ ગયો હતો. અમે તરત જ ડોમ્બિવલી તપાસ કરી તો અમને ખબર પડી કે ભવ્ય ત્યાં પહોંચી ગયો છે. તરત જ અમે ડોમ્બિવલીના વિષ્ણુનગર પોલીસ સ્ટેશનને ભવ્યને તેમના કબજામાં લેવા કહ્યું હતું અને અમારી પોલીસ ટીમ તેની ધરપકડ કરવા માટે ડોમ્બિવલી જવા નીકળી ગઈ હતી. અમે તેની ધરપકડ કરીને ગઢશીશા લઈ આવ્યા બાદ તેણે હત્યા કેમ કરી એનું કારણ શોધવાની શરૂઆત કરી ત્યારે અમને ભવ્ય તરફથી જાણકારી મળી કે તેને જુગાર રમવા માટે પૈસાની જરૂર હતી એટલે તેણે ગુણવંતીબહેનને લૂંટીને તેમની હત્યા કરી હતી.’

તેને પૈસાની જરૂર શા માટે પડતી હતી એની જાણકારી આપતાં ડી. એન. વસાવાએ કહ્યું હતું કે ‘પ્રાથમિક પૂછપરછમાં ભવ્યે કહ્યું હતું કે તે મોબાઇલ પર વેન-વેબ નામની વેબસાઇટમાં આવતી એવિએટર નામની જુગારની ગેમ રમતો હતો, જેમાં તે ઘણાબધા રૂપિયા હારી ગયો હતો. આ ગેમમાં જુગારના રવાડે ચડી ગયેલા ભવ્યએ પોતાના પિતાના બૅન્ક-અકાઉન્ટમાંથી પણ ચાર લાખ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરીને આ રૂપિયા ગેમમાં લગાડ્યા હતા. એમાં શરૂઆતમાં તેને સાત લાખ રૂપિયા મળ્યા બાદ વધુ લાલચમાં આવીને એ સાત લાખ ફરીથી ગેમમાં લગાડી દેતાં તે આંટામાં આવી ગયો હતો. ત્યાર પછી ભવ્યએ પોતાના મિત્રો પાસેથી પણ ૮૦,૦૦૦ રૂપિયા ઉછીના લઈને ગેમમાં લગાવી દીધા હતા. જોકે તે ગેમમાં ફસાતો જ જતો હતો. એમાંથી પાછા ફરવાને બદલે ભવ્ય તેના પિતા અને મિત્રોના પૈસે ગેમ રમતો રહ્યો હતો. બાદમાં તેના મિત્રોએ પૈસાની ઉઘરાણી શરૂ કરતાં આખો ભાંડો ફૂટ્યો હતો.’

તે દેવાદાર થયો હોવાની માહિતી તેના પિતાને મળતાં તેમણે ભવ્યને ઠપકો આપ્યો હતો એમ જણાવીને ડી. એન. વસાવાએ કહ્યું હતું કે ‘ભવ્યએ કરેલી કબૂલાત પ્રમાણે તેના પિતાએ ઠપકો આપતાં તે પોતાનાં ગઢશીશામાં રહેતાં દાદી પાસે આવતો રહ્યો હતો. અહીં આવ્યા બાદ દાદીના ઘરની સામે જ રહેતાં ગુણવંતીબહેનના ફ્લૅટમાં તે ગુરુવારે સાંજના પાંચ વાગ્યાની આસપાસ ગયો હતો. ગુણવંતીબહેને ભવ્યને જમવાનું પૂછતાં તેણે જમવાની ના પાડી હતી, પરંતુ ગુણવંતીબહેને તેને દૂધ આપતાં એ તેણે દૂધ પીધું હતું. આ દરમિયાન તેની નજર ગુણવંતીબહેને પહેરેલા સોનાના દાગીના પર જતાં તેણે ગુણવંતીબહેનને લૂંટી લેવાનો ‌અને હત્યા કરવાનો ખતરનાક નિર્ણય કરી લીધો હતો. ભવ્ય દૂધ પીને દૂધનો કપ રસોડામાં જાતે મૂકવા ગયો હતો. જેવાં ગુણવંતીબહેન રસોડામાં આવ્યાં એટલે તરત જ ભવ્યએ તકનો લાભ લઈને રસોડાના ખૂણામાં ગુણવંતીબહેનની ગળે ટૂંપો દઈને હત્યા કરી નાખી હતી. ત્યાર પછી ગુણવંતીબહેને પહેરેલી સોનાની ચેઇન, કાનની બુટ્ટી અને હાથમાં પહેરેલી બંગડીઓ કાઢી લીધી હતી અને ગુણવંતીબહેનની ડેડ-બૉડીને રસોડામાં મૂકી, તેમના ફ્લૅટને તાળું મારીને ભવ્ય તેની દાદીના ઘરમાં પાછો આવી ગયો હતો. દાદી પાસે જઈને મુંબઈથી ફોન આવ્યો છે એમ કહીને એક પળ બગાડ્યા વગર તે મુંબઈ જવા માટે ભુજ જતો રહ્યો હતો અને ભુજથી ટ્રેન પકડીને સીધો ડોમ્બિવલી પહોંચી ગયો હતો. ત્યાં જઈને તેણે લૂંટેલા દાગીના ડોમ્બિવલીના એક સોનીને વેચીને પૈસા રોકડા કરી લીધા હતા.’

આ તરફ ગુણવંતીબહેનના ફ્લૅટને બહારથી તાળું હતું એટલે કોઈને એ વખતે શક ગયો નહોતો એમ જણાવીને ડી. એન. વસાવાએ કહ્યું હતું કે ‘જોકે બીજા દિવસે દેરાસર કે અન્ય કોઈ જગ્યાએ ગુણવંતીબહેન ન દેખાતાં તેમની હત્યાનો પર્દાફાશ થયો હતો. બે દિવસ પહેલાં જ ગઢશીશા આવેલો ભવ્ય બે દિવસમાં જ જતો રહેતાં શંકાની સોય તેના તરફ પહોંચી હતી. તે ડોમ્બિવલીથી પકડાઈ ગયો હતો અને તેની ધરપકડ કરીને તેને ગઢશીશા લાવવામાં આવ્યો હતો.’

અમારા કચ્છી સમાજમાં સામાન્ય રીતે કોઈ વિવાદ, મનદુઃખ કે ઝઘડામાં સમાધાન થતું હોય ત્યારે ‘દૂધપીણા’ એટલે કે દૂધ પીવાતું હોય છે એમ જણાવતાં ગઢશીશાના એક અગ્રણીએ કહ્યું હતું કે ‘આ આખી મનોવિકૃત અને ક્રિમિનલ શરમજનક ઘટના છે. એમાં એક દાદી સમાન મહિલાએ ભવ્યને લાગણીપૂર્વક દૂધ પીવડાવ્યું હતું જે દૂધ પીને ભવ્ય જેવા યુવાને તેમનું જ ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધાં છે.’

kutchi community kutch dombivli chembur Crime News mumbai crime news mumbai mumbai news rohit parikh