મોબાઇલ લઈને ભાગેલા ચોરને ડોમ્બિવલીના ૬૯ વર્ષના સિનિયર સિટિઝને ૧૫૦ મીટર દોડીને પકડ્યો

05 September, 2024 03:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મંગળવારે સવારે લુપતભાઈ રેલવે-સ્ટેશન પર આવ્યા ત્યારે તેમના ખિસ્સામાં રહેલો મોબાઇલ છીનવીને ટિન્કુએ નાસી જવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડજર્ની

ડોમ્બિવલી-ઈસ્ટના મ્હાત્રેનગરમાં રહેતા ૬૯ વર્ષના લુપત શેઠનો મોબાઇલ ચોરીને ભાગવાનો પ્રયાસ કરનાર ટિન્કુ રઝાક નામના ચોરની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ મંગળવારે ધરપકડ કરી હતી. મંગળવારે સવારે લુપતભાઈ રેલવે-સ્ટેશન પર આવ્યા ત્યારે તેમના ખિસ્સામાં રહેલો મોબાઇલ છીનવીને ટિન્કુએ નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેની પાછળ આશરે ૧૫૦ મીટર દોડીને બીજા પ્રવાસીઓની મદદથી લુપતભાઈએ ચોરને પકડીને પોલીસના હવાલે કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં ટિન્કુ સામે ડોમ્બિવલી, કલ્યાણ અને થાણેની GRP ચોકીમાં આશરે ૧૨ કેસની નોંધાયા હોવાની માહિતી અમને મળી છે એમ જણાવતાં ડોમ્બિવલી GRPના સિનિયર ઇન્સ્પેક્ટર કિરણ ઉંદરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરસાણનો વ્યવસાય કરતા લુપતભાઈ મંગળવારે સવારે મુંબઈ આવવા પ્લૅટફૉર્મ-નંબર ત્રણ પર આવ્યા હતા. એ દરમ્યાન ત્યાં પહેલેથી હાજર ટિન્કુએ લુપતભાઈની ઉંમર જોઈને તેમના ખિસ્સામાં રહેલો મોબાઇલ ખેંચીને નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે લુપતભાઈ તેની પાછળ દોડ્યા હતા અને ચોર-ચોર બૂમો પાડી હતી. આશરે ૧૫૦ મીટર સુધી દોડ્યા બાદ ત્યાં ઊભેલા પ્રવાસીઓની મદદથી ટિન્કુને પકડી પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ રેલવે-સ્ટેશન પર હાજર બીજા સ્ટાફની મદદથી તેને અમારા તાબામાં આપ્યો હતો. અમે આ કેસની વધુ તપાસ શરૂ કરી છે.’

mumbai news dombivli central railway mumbai thane