ડોમ્બિવલીમાં ફરી હાહાકાર: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઘટનાસ્થળની મુલાકાત લઈને કહ્યું...

24 May, 2024 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વારંવારની આવી દુર્ઘટનાઓ સહન ન કરી શકાય, ફૅક્ટરીઓને શહેરની બહાર શિફ્ટ કરવામાં આવશે અથવા ચેન્જ ઑફ યુઝનો વિકલ્પ આપવામાં આવશે

તસવીરો: સતેજ શિંદે

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાતે ડોમ્બિવલીમાં ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘અમુદાન કેમિકલ ફૅક્ટરીમાં બહુ મોટો બ્લાસ્ટ થયો છે જેની તીવ્રતા બહુ જ વધારે હતી. આજુબાજુની છ-સાત ફૅક્ટરીઓ ડૅમેજ થઈ છે. આજુબાજુમાં રહેતા લોકોનાં ઘરોને પણ નુકસાન થયું છે. આ અતિ જોખમી કંપનીઓ છે જે રેડ કૅટેગરીમાં આવે છે. આ બધી જ જોખમી કંપનીઓને શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. એમને ચેન્જ ઑફ યુઝનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે કે તેઓ એન્જિનિયરિંગ, ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી એવી કોઈ પણ કંપની નાખી શકે જેથી લોકોના જીવનું જોખમ ન રહે અથવા એ ફૅક્ટરીઓને શહેરની બહાર શિફ્ટ કરવામાં આવશે. એ માટે લોકોએ સહકાર આપવો પડશે. વારંવારની આવી દુર્ઘટનાઓ સહન ન કરી શકાય. આમાં લોકોના જીવ જઈ રહ્યા છે એટલે આ બાબતે કોઈ બાંધછોડ નહીં ચલાવાય. હવે આ સંદર્ભે હાઈ લેવલની ઇન્ક્વાયરી થશે. જે દોષી જણાશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈને પણ બક્ષવામાં નહીં આવે. જે લોકો દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને મુખ્ય પ્રધાન સહાયતા નિધિમાંથી દરેકને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. જે ઘાયલ છે તેમની સારવાર સરકાર કરાવશે. કંપની તરફથી પણ તેમને નુકસાન ભરપાઈ આપવામાં આવે એ માટે કહેવામાં આવ્યું છે.’

ઘાયલ લોકોને સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ઉદ્યોગપ્રધાન ઉદય સામંત, થાણે જિલ્લાના સંસદસભ્ય શ્રીકાંત શિંદે અને વિધાનસભ્ય રાજુ પાટીલે સરકારી હૉસ્પિટલોમાં જઈ સારવાર લઈ રહેલા લોકોને મળીને વાતચીત કરીને આશ્વાસન આપ્યું હતું. ​શ્રીકાતં શિંદેએ કહ્યું હતું કે આ ઘટનામાં જે લોકો ઘાયલ થયા છે તેમની સારવારની અમે જવાબદારી લઈએ છીએ અને આ બ્લાસ્ટને કારણે જે લોકોનાં ઘરને નુકસાન થયું છે તેમનાં ઘરનું પંચનામું કરીને એનું વળતર એક અઠવા​ડિયામાં આપવામાં આવે ‍એવો આદેશ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કલેક્ટરને આપ્યો છે. 

ઘાયલોની તબિયતમાં વહેલી તકે સુધારો થાય એવી પ્રાર્થના : દેવેન્દ્ર ફડણવીસ

આ ઘટનાની જાણ થયા બાદ રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ડોમ્બિવલી MIDCની અમુદાન કેમિકલ કંપનીના બૉઇલર-બ્લાસ્ટની ઘટના દુ:ખદ છે. ઘાયલોની સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. NDRF, થાણે ​ડિઝૅસ્ટર ​રિસ્પૉન્સ ફોર્સ (TDRF) અને ફાયર-બ્રિગેડની ટીમના જવાનો ઘટનાસ્થળે કામ કરી રહ્યા છે. ઘાયલોની તબિયતમાં વહેલો સુધારો થાય એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું.’ 

અતિ જોખમી કંપનીઓને બીજે ખસેડવામાં આવશે

સંસદસભ્ય શ્રીકાંત શિંદેએ કહ્યું હતું કે MIDCમાં અવારનવાર બનતી દુર્ઘટનાઓને કારણે એ વિસ્તારમાં રહેતા લોકો સામે જોખમ ઊભું થતું હોવાથી MIDCની કેમિકલ કંપનીઓને A, B, C અને Dમાં વર્ગીકૃત કરીને અતિ જોખમી કંપનીઓને શહેરની બહાર ખસેડવામાં આવશે. આ બાબતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઉદ્યોગપ્રધાન ઉદય સામંત સાથે ચર્ચા થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. 

dombivli fire incident eknath shinde mumbai mumbai news