ડોમ્બિવલીમાં ફરી હાહાકાર: બ્લાસ્ટની તીવ્રતા જોતાં અંદર કોઈ બચ્યું હોય એની શક્યતા ઓછી

24 May, 2024 08:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેમિકલ ફૅક્ટરીનું બૉઇલર ફાટતાં ભીષણ આગ, આઠ લોકોનાં મોત અને ૬૦ ઘાયલ, ધડાકો એટલો જોરદાર હતો કે એનો અવાજ પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો

તસવીરોઃ સતેજ શિંદે

ડોમ્બિવલી (ઈસ્ટ)માં મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC)ના ફેઝ-ટૂમાં આવેલી અમુદાન કેમિકલ કંપનીમાં ગઈ કાલે બપોરે ૧.૪૦ વાગ્યે જોરદાર ધડાકા સાથે બૉઇલર ફાટ્યું હતું અને એ પછી આગ ફાટી નીકળી હતી. ધડાકો એટલો જોરદાર હતો કે પાંચ કિલોમીટર દૂર સુધી એનો અવાજ સંભળાયો હતો અને ધ્રુજારી અનુભવાઈ હતી. બાજુમાં આવેલા મ્હાત્રેપાડાની ઘણી ઇમારતોની બારીના કાચ તૂટી ગયા હતા. કેટલાંક મકાનોને પણ નુકસાન થયું હતું અને તિરાડો પડી ગઈ હતી. આ આગ ગણતરીની મિનિટોમાં આજુબાજુની ફૅક્ટરીઓમાં પણ ફેલાઈ હતી. આ આગમાં  ૮ જણનાં મોત થયાં હતાં અને ૬૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર-બ્રિગેડ, રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં અને બચાવકાર્ય શરૂ કર્યું હતું. જોકે આગની ​તીવ્રતા અને વ્યાપ જોઈને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF) અને અન્ય બચાવ-એજન્સીઓની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. કેમિકલ ફૅક્ટરીમાં આગ લાગી હોવાથી બહુ મોટા પ્રમાણમાં આગની જ્વાળાઓ લબકારા મારી રહી હતી અને ધુમાડાના ગોટેગોટા દૂરથી પણ જોઈ શકાતા હતા. ઘાયલોને તરત જ સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં જ રાજ્યના ઉદ્યોગપ્રધાન ઉદય સામંત, ત્યાંના સંસદસભ્ય શ્રીકાંત શિંદે અને વિધાનસભ્ય રાજુ પાટીલે ઘટનાસ્થળે જઈને ચાલી રહેલા બચાવકાર્યનું નિરીક્ષણ કર્યું હતું. ઉદય સામંતે કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી મળ્યા મુજબ જે પ્લાન્ટમાં દુર્ઘટના થઈ એ મહિનાઓથી બંધ હતો અને હાલમાં જ ફરી ચાલુ થયો હતો. માર્યા ગયેલા લોકોમાં મોટા ભાગના આજુબાજુની ફૅક્ટરીઓના વર્કર હોવાનું જાણવા મળ્યું છે.’

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીના કહેવા મુજબ તેમણે પાંચ પુરુષો અને બે મહિલાઓના મૃતદેહો બહાર કાઢ્યા હતા જે ઓળખી ન શકાય એ હદે બળી ગયા હતા.

કલ્યાણ સુધરાઈના ચીફ ફાયર-ઑફિસરે કહ્યું હતું કે ‘આ આગ કેમિકલની ફૅક્ટરીમાં લાગી હોવાથી પાણીને બદલે ફોમ વાપરવું પડે એમ હતું એથી આગને કાબૂમાં લેવામાં અને ઓલવવામાં સમય લાગી જશે. એના કૂલિંગ ઑપરેશનમાં પણ ટાઇમ લાગશે. ત્યાર બાદ સર્ચ ઍન્ડ રેસ્ક્યુ ઑપરેશન શરૂ થઈ શકશે.’  

ઘટનાસ્થળે આવી પહોંચેલી NDRFની ટીમના એક ઑફિસરે કહ્યું હતું કે ‘બ્લાસ્ટની તીવ્રતા જોતાં અંદર કોઈ બચી ગયું હોય એવી શક્યતા બહુ ઓછી છે. વળી કેમિકલ બધી જગ્યાએ ફેલાઈ ગયું છે જે બચાવકાર્ય કરી રહેલા જવાનો માટે પણ જોખમી છે. અમારે આ રેસ્ક્યુ ઑપરેશન માટે સ્પેશ્યલ બનાવવામાં આવેલાં સાધનોનો ઉપયોગ કરવો પડશે. અમે વધુમાં વધુ લોકોને બચાવવાનો પ્રયાસ કરીશું. સર્ચ ઍન્ડ રેસ્ક્યુ ઑપરેશન ગુરુવારે મોડી રાત બાદ એક વાર આગ બુઝાઈ જાય એ પછી ચાલુ થઈ શકશે. આ આગનો ભોગ બનેલા લોકો એટલી હદે બળી ગયા છે કે તેમની ચહેરાથી ઓળખ થવી મુશ્કેલ છે.’

ડોમ્બિવલી-ઈસ્ટના એક હાઇરાઇઝ બિલ્ડિંગમાંથી બ્લાસ્ટના સ્થળ પરથી નીકળતો ધુમાડો દેખાતો હતો

૨૦૧૬ની આવી જ દુર્ઘટનામાં ૧૨ લોકોનાં મોત થયાં હતાં

ડો​મ્બિવલી MIDCના ફેઝ-ટૂમાં આવી જ એક ઘટના ૨૦૧૬ની ૨૬ મેએ બની હતી જેનો અહેવાલ ‘મિડ-ડે’માં છપાયો હતો (ઉપર). એમાં પ્રોબેસ કંપનીમાં ભીષ‌ણ આગ ફાટી નીકળી હતી જેમાં ૧૨ જણનાં મોત થયાં હતાં. આજુબાજુમાં રહેતા ૨૧૫ પ​રિવારને નુકસાન થયું હતું. એ વખતે કલ્યાણ‌ના કલેક્ટર દ્વારા જે પંચનામાં થયાં હતાં એનો આંકડો ૭,૪૩,૭૦,૦૦૦ રૂપિયાનો થયો હતો.

dombivli fire incident brihanmumbai municipal corporation mumbai police mumbai mumbai news