ડોમ્બિવલી બ્લાસ્ટમાં હજીયે સાઇટ પર કાટમાળ ઉપાડવાનું કામ ચાલુ

27 May, 2024 07:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૦ મૃતદેહ મળ્યા, ત્રણની ઓળખ થઈ

ડોમ્બિવલીની અમુદાન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં થયેલા બ્લાસ્ટની દુર્ઘટના

ડોમ્બિવલીની અમુદાન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં થયેલા બ્લાસ્ટની દુર્ઘટનામાં હજી ચોથા દિવસે પણ સાઇટ પરથી ધીમે-ધીમે કાટમાળ ઉપાડવાનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં ૧૦ મૃતદેહ મળી આવ્યા છે. એમાંથી ત્રણ મૃતદેહ ઓળખી શકાયા છે.

આ કેસ વિશે વધુ માહિતી આપતાં ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૪ના ઉલ્હાસનગરના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અશોક કોળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાટમાળમાંથી હાલ શરીરનાં જે પણ અંગો મળે છે એ કલેક્ટ કરીને કેમિકલ ઍનૅલિસિસ માટે કાલિના ફૉરેન્સિક લૅબમાં મોકલવામાં આવી રહ્યાં છે. એની સાથે જે લોકોએ તેમના પરિવારજનો મિસિંગ છે એમ કહ્યું છે તેમનાં બ્લડ-સૅમ્પલ લઈને એ મૃતદેહો સાથે મૅચ કરવામાં આવી રહ્યાં છે. એ પ્રોસેસ હાલ ચાલી રહી છે.’ આ કેસમાં માનપાડા પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર સહદેવ પાલવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમારી પાસે આ કેસને લગતી કુલ નવ મિસિંગ ફરિયાદ આવી છે અને એના આધારે અમે DNA ટેસ્ટ કરાવી રહ્યા  છીએ.

કેવી રીતે ઓળખાયા મૃતદેહ?
જે મૃતદેહ ઓળખાયા છે એમાં એક મૃતદેહ રિદ્ધિ ખાનવિલકરનો હતો. શાસ્ત્રીનગર હૉસ્પિટલમાં બે મહિલાના મૃતદેહ હતા. એમાંથી એક મૃતદેહના હાથમાંની વીંટી અને ગળાનું મંગળસૂત્ર ઓળખીને અમિત ખાનવિલકરે એ મૃતદેહ તેની પત્ની રિદ્ધિનો હોવાનું જણાવ્યું હતું. રિદ્ધિની સાથે જ કામ કરતી અને ડોમ્બિવલી-ઈસ્ટના અઝદે ગામમાં રહેતી ૨૬ વર્ષની રોહિણી કદમનો મૃતદેહ તેના ભાઈ રોહિત કદમે ઓળખી કાઢ્યો હતો. રોહિણી તેનાં માતા-પિતા અને ભાઈ સાથે રહેતી હતી. ત્રીજો રાકેશ રાજપૂતનો મૃતદેહ તેના ભાઈ વિવેકે ઓળખી કાઢ્યો હતો. મૂળ ઉત્તરાખંડનો રાકેશ રાજપૂત અમુદાન ફૅક્ટરીની બાજુની ફૅક્ટરીમાં કામ કરતો હતો અને ડોમ્બિવલીના સોનારપાડામાં પરિવાર સાથે રહેતો હતો. તેને પાંચ બાળકો છે એમ તેના ભાઈ વિવેકે જણાવ્યું હતું.

mumbai news mumbai dombivli fire incident