30 March, 2023 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચંદ્રપુરમાં અયોધ્યા મોકલવા માટે તૈયાર રખાયેલા સાગનાં લાકડાં
રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આ માટે મંદિરની નાની મૂર્તિઓ બનાવવા સીતાના પિયર નેપાલમાંથી પથ્થર લાવવામાં આવ્યા છે તો મોટી મૂર્તિઓ અને મુખ્ય મંદિરના નિર્માણ માટે રાજસ્થાનથી વિશેષ પથ્થરો મગાવવામાં આવ્યા છે. રામમંદિરના ગર્ભગૃહ અને મુખ્ય દરવાજા તૈયાર કરવા માટે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના બલ્લારપુરમાં થતા સાગનાં લાકડાં લાવવાનો નિર્ણય લેવાયો છે. ગઈ કાલે લાકડાંનો પહેલો જથ્થો ચંદ્રપુરથી અયોધ્યા રવાના કરવામાં આવ્યો ત્યારે સાગનાં આ લાકડાંની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મે મહિનાના પહેલા અઠવાડિયા સુધી સાગનાં લાકડાં અયોધ્યા મોકલાશે. આ સમયે રામાયણ સિરિયલમાં રામ, લક્ષ્મણ અને સીતાનાં પાત્રો ભજવનારા કલાકારોની સાથે ૨,૦૦૦ જેટલા લોકકલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
રાજ્યના વન અને સાંસ્કૃતિકપ્રધાન સુધીર મુનગંટીવારના માર્ગદર્શનમાં ચંદ્રપુરમાં ગઈ કાલે સાગનાં લાકડાં અયોધ્યા મોકલવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરના સાડાત્રણ વાગ્યે પહેલાં લાકડાંનું પૂજન કરાયું હતું અને બાદમાં એની વાજતેગાજતે હજારો લોકોની હાજરીમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. એ પછી મોડી સાંજે અહીંના ક્લબ મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સમયે યોગગુરુ રામદેવ બાબા, સદગુરુ રુગુજગ્ગી વાસુદેવ, શ્રીશ્રી રવિશંકર, રામાયણમાં રામ, લક્ષ્મણ અને સીતાનાં પાત્રો ભજવનારા અદાકાર અરુણ ગોવિલ, સુનીલ લાહેરી અને દીપિકા ચીખલિયા ઉપરાંત શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ટ્રેઝરર સ્વામી ગોવિંદદેવગિરિ મહારાજ સહિત અસંખ્ય મહાનુભાવ હાજર રહ્યા હતા.
ચંદ્રપુરનાં જ સાગનાં લાકડાં કેમ?
વન અને સાંસ્કૃતિક ખાતાના પ્રધાન સુધીર મુનગંટીવારે ચંદ્રપુરનાં જ લાકડાં અયોધ્યામાં બની રહેલા રામમંદિરના દરવાજા અને ગર્ભગૃહ માટે કેમ પસંદ કરવામાં આવ્યાં એ વિશે માહિતી આપી હતી કે ‘અહીંનાં સાગનાં લાકડાંને ૧,૦૦૦ વર્ષ સુધી ઊધઈ લાગતી નથી કે એના પર હવા-પાણી કે ગરમી-ઠંડીની બહુ અસર નથી થતી. રામમંદિર ટ્રસ્ટ દ્વારા દેશભરમાં લાકડાંની તપાસ કરાઈ એમાં ચંદ્રપુર જિલ્લાનાં લાકડાં ઉત્તમ હોવાનું જણાયા બાદ એની પસંદગી કરવામાં આવી છે. મંદિરના ટ્રસ્ટ તરફથી મહારાષ્ટ્રને ૧૮૫૫ ઘનફીટ સાગનાં લાકડાં પૂરાં પાડવા માટે ૧.૩૨ કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યો છે. આથી આજે સાગનાં લાકડાંનો પહેલો જથ્થો અયોધ્યા રવાના કરાઈ રહ્યો છે. દિલ્હીમાં બનાવાઈ રહેલા સેન્ટ્રલ વિસ્ટામાં પણ અહીંનાં સાગનાં લાકડાંનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.’
વિદર્ભ દશરથનું મોસાળ
હિન્દુત્વના રક્ષણ માટે લડનારા રાજસ્થાનના મહારાણા પ્રતાપ અને મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિને રામમંદિરના નિર્માણ સાથે સાંકળી લેવામાં આવી છે. રાજસ્થાનથી મંદિર નિર્માણ માટેના પથ્થરો અને અમુક મૂર્તિઓ બનાવાઈ રહી છે તો મહારાષ્ટ્રમાંથી ચંદ્રપુર જિલ્લાના સાગનાં લાકડાંથી મંદિરના મુખ્ય દરવાજાઓ અને ગર્ભગૃહમાં કરવામાં આવશે. સીતાના મોસાળ નેપાલથી શાલિગ્રામ પથ્થર લાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, ભગવાન રામના પિતા દશરથનું મોસાળ મહારાષ્ટ્રના વિદર્ભમાં હતું. રામાયણના કાળમાં વિદર્ભને દંડકારણ્ય જંગલ કહેવાતું અને રામના ૧૪ વર્ષના વનવાસનો મોટો ભાગનો સમય અહીં જ પસાર થયો હતો. મંદિરના નિર્માણને રામાયણનાં મુખ્ય પાત્રો સાથે પણ જોડવામાં આવ્યું છે.
રામ-લક્ષ્મણ વૃક્ષનું પૂજન
વનવિભાગના અધિકારીના જણાવ્યા મુજબ છત્રપતિ શિવાજી મહારાજનું ૧૬૮૦માં મૃત્યુ થયાનાં ત્રણ વર્ષ બાદ ચંદ્રપુર જિલ્લાના જંગલમાં રામ અને લક્ષ્મણ નામનાં સાગનાં બે વૃક્ષ કુદરતી રીતે ઊગ્યાં હતાં. ૨૭૫ વર્ષ આ બંને વૃક્ષ જંગલમાં ઊભાં રહ્યાં હતાં. જૂન ૧૯૫૮માં આવેલા સાયક્લોનમાં એ તૂટી પડ્યાં હતાં. બાદમાં મહારાષ્ટ્ર સરકારે આ બંને વૃક્ષને સાચવીંને રાખ્યાં હતાં. અયોધ્યા મોકલાઈ રહેલાં સાગનાં લાકડાં આ બંને વૃક્ષનાં જ છે એટલે આ રામ-લક્ષ્મણ વૃક્ષનું પૂજન કરવામાં આવ્યા હતા. આ વૃક્ષોમાંથી અયોધ્યામાં લાકડાં તૈયાર કરાશે.
લાકડાંની શું છે વિશેષતા?
ચંદ્રપુર જિલ્લામાં આવેલા બલ્લારશાહીના કુદરતી જંગલમાં સાગનાં વૃક્ષો થાય છે. આ લાકડાં ૧,૦૦૦ વર્ષ સુધી ટકી રહે છે એટલું જ નહીં, એના પર ઉત્તમ પ્રકારનું કોતરણીકામ થઈ શકે છે. એમાં એક વિશેષ પ્રકારનું તેલ હોય છે જે લાકડાની ચમક વધારવાની સાથે લાકડાનું હવા-પાણી અને ઠંડી-ગરમીથી રક્ષણ કરે છે. અયોધ્યામાં બની રહેલું રામમંદિર ૧,૦૦૦ વર્ષ સુધી ટકે એટલું મજબૂત હશે એને ધ્યાનમાં રાખીને જ આ મંદિરમાં ઉત્તમ પ્રકારનાં લાકડાંનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.