02 November, 2024 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘાટકોપરના ગુજરાતી યુવાનનું ગુજરાતમાં કાર-અકસ્માતમાં મૃત્યુ
પરિવાર સાથે દિવાળીનું વેકેશન મનાવવા ગયેલા ઘાટકોપરના યુવાનનું અને તેની સાથે કૅનેડાથી નાના-નાનીને મળવા આવેલા ચાર વર્ષના બાળકનું ગુજરાતના અમરેલી પાસે કાર-અકસ્માતમાં ધનતેરસના દિવસે મૃત્યુ થતાં ઘોઘારી વીસા શ્રીમાળી જૈન સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી.
ઘાટકોપરના પંતનગરનો ૪૨ વર્ષનો ચિંતન શેઠ ગયા અઠવાડિયે પત્ની ધારા અને પુત્ર મીત સાથે અમરેલી દિવાળી મનાવવા ગયો હતો. ત્યાંથી તેઓ સાસરિયાંનાં સગાં સાથે કાર લઈને અમરેલી પાસે આવેલા ધારીના ગીરમાં ફરવા ગયાં હતાં. તેઓ ગીરથી પાછાં આવી રહ્યાં હતાં ત્યારે અમરેલી પાસે આવેલા દેવરાજિયા ગામ પાસે કાર લીમડાના એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં ચિંતનના સાળાના ચાર વર્ષના પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બાકીના પાંચ લોકોને સ્થાનિક રહેવાસીઓ દ્વારા કારમાંથી બહાર કાઢીને સારવાર માટે અમરેલીની સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ચિંતન ખૂબ જ ધર્મમય હતો. જે દિવસે તેની કારને અકસ્માત નડ્યો એ દિવસે ચિંતનને મહાવીરસ્વામીના નિર્વાણ દિવસ નિમિત્તે જૈનોનું છઠ તપ હતું એટલે કે બે દિવસના ઉપવાસનો પહેલો ઉપવાસ હતો. તેની કાર ઝાડ સાથે અથડાતાં ચિંતનને કારનું સ્ટિયરિંગ છાતીમાં ઘૂસી જવાથી છાતી, ચહેરા અને માથામાં માર લાગ્યો હતો. જોકે હૉસ્પિટલમાં ફક્ત તેના માથાનો એકસ-રે જ લેવામાં આવ્યો હતો.
આ બાબતની માહિતી આપતાં ચિંતનના નાના ભાઈ ડૉ. દર્શન શેઠે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાર કેવી રીતે અને કેમ કરતાં લીમડાના ઝાડ સાથે અથડાઈ એની જાણકારી કારમાં બેઠેલા બધા જ લોકો ઈજાગ્રસ્ત અને આઘાતમાં હોવાથી હજી સુધી અમે જાણી શક્યા નથી. અમને પોલીસ અને ચિંતનની મિસિસ પાસેથી એટલી જ જાણકારી મળી છે કે કાર ચિંતન ડ્રાઇવ કરતો હતો. જે બાળકનું મૃત્યુ થયું છે તે ભાભીના ખોળામાં રમતું હતું. આનાથી વધુ વિશેષ માહિતી આપવા કારમાં બેઠેલા બધા જ અસમર્થ છે. તેમની સાથે બીજી કાર પણ હતી, પરંતુ તેમની પાસે પણ અકસ્માતના કારણની કોઈ જ જાણકારી નથી. અકસ્માત બાદ સિવિલ હૉસ્પિટલમાં ચિંતનના માથાનો એક્સ-રે લેવામાં આવ્યો હતો. એમાં તેને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તરત જ ભાવનગરની પ્રાઇવેટ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમ્યાન ચિંતનનું મૃત્યુ થયું હતું. અમે તેની ડેડ-બૉડી ઘાટકોપર લઈ આવ્યા હતા અને ગુરુવારે ઘાટકોપરમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.’
અમરેલી તાલુકા પોલીસના તપાસ-અધિકારીએ આ અકસ્માત વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈના ચિંતન શેઠ અને તેમનાં સાસરિયાંનો પરિવાર ગુજરાતના ધારી પાસે આવેલા ગીરમાં ફરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે દેવરાજિયા ગામ પાસે આવેલા હાઇવે પર ફુલ સ્પીડમાં કાર ચલાવી રહેલા ચિંતન શેઠે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં સાંજના સાડાચાર વાગ્યાની આસપાસ તેમની કાર નજીકના લીમડાના ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી. એમાં કૅનેડાથી નાના-નાનીને અમરેલી મળવા આવેલા ચાર વર્ષના અંશ કોરડિયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બાકીના પાંચ લોકો ઈજા પામ્યા હતા. ત્યાર બાદ ચિંતન શેઠનું ભાવનગરની હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.’