04 October, 2024 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૦ ઑક્ટોબરથી શરૂ થનારી ફરાળ સખી યોજનાનું પોસ્ટર
મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ ફરાળ સખી નામની યોજનાની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. બચતગટના માધ્યમથી અહીંની મહિલાઓ દ્વારા દિવાળીના તહેવાર અને એ પછી પણ આખું વર્ષ લોકોને સ્વચ્છ રસોડામાં બનાવવામાં આવતી વાનગી સહિતની બીજી વસ્તુઓ મળે એ માટે ફરાળ સખી યોજના બનાવવામાં આવી છે.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર સંજય કાટકરે કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારના નીતિ આયોગના સહયોગથી મહિલાઓ ઉદ્યોગ શરૂ કરીને પગભર થાય એ આ યોજના પાછળનો ઉદ્દેશ છે. મીરા-ભાઈંદરનાં ૨૦૦ સ્થળોએ ઊભાં કરવામાં આવનારાં કિઓસ્કમાં ખાદ્ય પદાર્થનું વેચાણ કરવા માટેની તાલીમ આપવામાં આવશે. મહિલાઓ તેમની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરી શકે એ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ૧૦ ઑક્ટોબરથી આ યોજના શરૂ થઈ જશે.’ મહાનગરપાલિકાના ક્ષેત્રમાં આ પ્રકારની પહેલી યોજના હોવાનું કહેવાય છે.