05 November, 2024 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબની કરુણા ભાવનાથી હજારો કિલો મીઠાઈ તેમ જ અબોલ જીવોને પણ એક લાખથી વધુ લાડવા અર્પણ કરવામાં આવ્યા હતા
મૈત્રી, પ્રકાશ અને માધુર્યના પર્વ એવા દીપાવલિ પર્વના દિવસોમાં અનેક પરિવારો અને અબોલ જીવોને મિષ્ટ ભોજન અર્પણ કરીને સર્વત્ર પ્રસન્નતા અને સદ્ભાવના પ્રસરાવતા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબની કરુણા ભાવનાથી હજારો કિલો મીઠાઈ તેમ જ અબોલ જીવોને પણ એક લાખથી વધુ લાડવા અર્પણ કરવામાં આવ્યા હતા.
અર્હમ યુવા સેવા ગ્રુપના ઉપક્રમે મુંબઈના અનેક વિસ્તારો વાલકસ, બ્હરે, ડોળે, દેઓલી ગાવ, દિનકરપાડા આદિ જેવા મહારાષ્ટ્રના અનેક નાના-મોટા વિસ્તારની સાથોસાથ સૌરાષ્ટ્ર, ગુજરાત અને પૂર્વ ભારતનાં કલકત્તા આદિ ક્ષેત્રોમાં હજારો પરિવારોને શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત મીઠાઈનું વિતરણ કરવામાં આવતાં પર્વના માધુર્ય સાથે સર્વત્ર હર્ષ અને આનંદ છવાઈ ગયો હતો.
એ સાથે જ પર્વના આ દિવસોમાં અબોલ જીવોને પણ મિષ્ટ ભોજનથી તૃપ્ત કરવાની પરમ ગુરુદેવની ભાવનાથી સૌરાષ્ટ્રના ગોંડલ, વડિયા, રાજકોટ આદિ ક્ષેત્રોની ગૌશાળાની હજારો ગાયોને લાડવાનું ભોજન કરાવવામાં આવ્યું હતું. એ ઉપરાંત અન્ય ક્ષેત્રની ગૌશાળાના અબોલ જીવોને લાડવા, ફળ આદિના ભોજન સાથે તૃપ્ત કરવામાં આવતાં સૌના હૃદયમાં માનવતા અને જીવદયાની પ્રેરણા પ્રસરી હતી અને સૌ પરમ ગુરુદેવની કરુણા ભાવના પ્રત્યે વંદિત બન્યા હતા.
વિશેષમાં પર્વના આ પાવન દિવસો દરમ્યાન પરમ ગુરુદેવના સાંનિધ્યમાં આયોજિત ત્રિદિવસીય મૌન મંત્ર શિબિરમાં યુએસએ, સિંગાપોર, ચેન્નઈ, કલકત્તા આદિ જેવા અનેક દેશ-વિદેશનાં ક્ષેત્રોથી પધારેલા ભાવિકો જોડાયા હતા. વિશિષ્ટ મંત્રોની જપ-સાધના સંપૂર્ણપણે મૌનની સાધના સાથે જ્ઞાન સાધના અને સેવા યોગ સાથેની આ શિબિર અનેક ભાવિકો માટે સ્વમિલનની અનુભૂતિ કરાવીને દીપાવલિ પર્વને સાર્થક કરી ગઈ.
આ અનોખી શિબિર બાદ ૩ નવેમ્બરથી ૬ નવેમ્બર ૨૦૨૪ એમ ચાર દિવસ વિશેષરૂપે યંગસ્ટર્સ માટેની યુવા સંસ્કાર શિબિરનું આયોજન પરમધામના પ્રાંગણે કરવામાં આવ્યું છે જેમાં ૧૨ વર્ષથી ૪૦ વર્ષના યંગસ્ટર્સ માટેની આ શિબિરમાં સમગ્ર ભારતનાં અનેક ક્ષેત્રોથી આવનારા સેંકડો યુવાનોને ધર્મથી સંસ્કારિત કરવામાં આવી રહ્યા છે.
આમ આત્માનું અનંત હિત કરાવી દેનારા અનેક કાર્યક્રમો, શિબિરો, ઉત્સવો અને મહોત્સવો સાથે વ્યતીત થયેલા ચાતુર્માસની પૂર્ણતાના દિવસોમાં ૧૧ દિવસ માટે સંયમ જીવનની સ્પર્શના કરાવતું સંયમ ભાવ સાધના ઉપધાનનું આયોજન આગામી ૭ નવેમ્બરથી ૧૭ નવેમ્બર કરવામાં આવ્યું છે, જેમાં અનેક આરાધકો જોડાઈને સંસારી દુનિયાથી ડિસ્કનેક્ટ થઈ, સંયમ જીવન અને સ્વજીવન તરફનું એક પગલું આગળ ભરી આત્મશુદ્ધિનો પુરુષાર્થ કરશે.