25 October, 2024 11:15 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પૂનામાં ઉદ્ઘાટન સમારંભ માટે લાડુ અને ચેવડાની અદ્ભુત સજાવટ કરવામાં આવી હતી
ધ પૂના મર્ચન્ટ્સ ચેમ્બરે એની ૩૭ વર્ષની ભવ્ય પરંપરા જાળવી રાખી છે. આ વર્ષે પણ ગરીબો દિવાળી ઊજવી શકે એ હેતુથી ‘ન નફો, ન નુકસાન’ના ધોરણે ‘લાડુ-ચિવડા પ્રોજેક્ટ’ હેઠળ એનું વિતરણ કરવાનું ગઈ કાલથી શરૂ કર્યું છે. આ વર્ષે ૧૮૦ રૂપિયે કિલો અને ૯૦ રૂપિયે અડધો કિલો પ્રમાણે એનું વિતરણ થઈ રહ્યું છે, જે ભાવ ગયા વર્ષ કરતાં કિલોદીઠ ૨૦ રૂપિયા વધુ છે. ગઈ કાલે માર્કેટયાર્ડ ગંગાધામ ચૌક પાસેના નાજુશ્રી હૉલમાં એનું ઉદ્ઘાટન થયું હતું. ઉદ્ઘાટન સમારંભ માટે લાડુ અને ચેવડાની અદ્ભુત સજાવટ કરવામાં આવી હતી. પૂનામાં બાવીસ જગ્યાએ આ લાડુ અને ચેવડો મળી શકશે. ધ પૂના મર્ચન્ટ્સ ચેમ્બરના આ પ્રોજેક્ટની નોંધ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા પણ લેવામાં આવી છે. બે મહિના પહેલાંથી જ એની તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. ૧૫૦ જેટલા ખાસ કારીગરોને આ લાડુ અને ચેવડો તૈયાર કરવા રાજસ્થાનથી બોલાવવામાં આવે છે અને સાથે જ અહીંની ૭૫૦ જેટલી મહિલાઓ તેમને આ લાડુ અને ચેવડો બનાવવામાં મદદ કરતી હોય છે. આમ આ પ્રોજેક્ટ ઘણા લોકોને રોજગાર પણ પૂરો પાડે છે.
ગયા વર્ષે અઢી લાખ કિલો બન્યા હતા
લાડુ અને ચેવડાનાં પૅકેટ્સ સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોને પણ પહોંચાડવામાં આવે છે એટલું જ નહીં, ૨૦૦૦ કિલો જેટલા લાડુ અને ચેવડો નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)ને મફતમાં આપવામાં આવે છે. NGO દ્વારા એનું ગરીબોમાં ફ્રીમાં વિતરણ કરવામાં આવે છે. ગયા વર્ષે ૨.૫ લાખ કિલો લાડુ અને ચેવડો બનાવવામાં આવ્યા હતા.