દિવાળી તો કાશ્મીરમાં જ

06 November, 2023 10:35 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

આવું કહેવું છે બહારગામ ફરવા જનારાઓનું. જ્યારથી કલમ ૩૭૦ રદ કરવામાં આવી છે ત્યારથી લોકો બેખોફ અહીં જઈ રહ્યા છે; પણ આ વર્ષે ધરતી પરના સ્વર્ગમાં ટૂરિસ્ટોની સંખ્યામાં ચારગણો વધારો જોવા મળે એવી શક્યતા, થૅન્ક્સ ટુ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી

પ્રતીકાત્મક તસવીર

દિવાળી આવે એટલે મુંબઈગરા ફૅમિલી સાથે ટૂર પર ફરવા નીકળી જાય છે અને ફ્રેશ થઈને નવા વર્ષે નવા જોમ સાથે રૂટીન ડે-ટુડે લાઇફમાં અને કામધંધા કે નોકરીઓમાં ગોઠવાઈ જાય છે. દિવાળીમાં પરિવાર સાથે લૉન્ગ ડેસ્ટિનેશન પર નિરાંતની પળો માણવાનું અને પીસ ઑફ માઇન્ડ સાથે નવી-નવી જગ્યાઓ એક્સ્પોલર કરવાનું તેમને ગમે છે. આ વર્ષે શું ટ્રેન્ડ છે? લોકો કયાં ડેસ્ટિનેશન વધુ પ્રિફર કરે છે? ‘મિડ-ડે’એ આ વિશે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે એક વાત નવી સામે આવી કે કાશ્મીર પહેલાં પણ ટૂરિસ્ટોમાં માનીતું હતું અને હજી પણ છે. એમ છતાં ૩૭૦મી કલમ હટાવ્યા બાદ વધુ ને વધુ લોકો ડર્યા વગર કાશ્મીર ફરવા જઈ રહ્યા છે. પહેલાં કરતાં ચારગણા ટૂરિસ્ટો કાશ્મીરની મુલાકાત લઈ રહ્યા છે. ઇન્ટરનૅશનલ ટૂર પર જતા સહેલાણીઓએ તો બુકિંગ પહેલે જ કરાવી લીધું હતું. આ લોકો જવા માટે એક્સાઇટેડ હોવાની સાથે પરિવારની સુરક્ષા માટે ચિંતિત પણ છે અને એટલે એક વાર ખાતરી કરી લે છે કે બધું બરાબર છેને? સેફ છેને? જવામાં કશો વાંધો નથીને? એક વાર સેફ્ટીનો ઇશ્યુ નથી એવી જાણ થયા બાદ તેઓ બેઝિઝક ટૂરમાં જોડાઈને એન્જૉય કરે છે.  

ભારત તેમ જ વિદેશનાં વિવિધ રાજ્યોનાં ટૂરિસ્ટ-સ્પૉટ પર ગ્રુપ ટૂર લઈ જતાં હીના ટ્રાવેલ્સનાં ખુશ્બૂ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિવાળીમાં કાશ્મીર, કેરલા, રાજસ્થાન બધું જ ફુલ છે. સાથે જ ભુતાન પણ હિટ છે. ભુતાન બે મહિના પહેલાં જ ખૂલ્યું છે. લોકોને પીસ ઑફ માઇન્ડ જોઈતી હોય છે. જોકે થોડા વખત પહેલાં આવેલા ફ્લડને કારણે સિક્કિમ અને હિમાચલ પ્રદેશ આ વખતે થોડું ડાઉન છે. લોકો ત્યાં જવાનું ઓછું પ્રિફર કરે છે.’

જેમ ટૂર્સના નિમેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાશ્મીર પહેલાં પણ સહેલાણીઓનું માનીતું હતું અને હજી પણ છે જ. જોકે જ્યારથી ૩૭૦મી કલમ રદ કરી છે ત્યારથી લોકો ડર્યા વગર કાશ્મીર જઈ રહ્યા છે. પહેલાં કરતાં ચારગણા ટૂરિસ્ટો હવે કાશ્મીર જઈ રહ્યા છે. હવે લોકોને કાશ્મીર જવામાં ડર નથી લાગતો અને કૉન્ફિડન્સથી જાય છે. ઇન્ટરનૅશનલ સર્કિટમાં આ વર્ષે વિયેટનામ હિટ છે. વળી એ વૅલ્યુ ફૉર મની છે. યુરોપ એ સામે થોડું કૉસ્ટ્લી છે. થાઇલૅન્ડે ૧૦ નવેમ્બરથી ઇન્ડિયન્સ માટે વિઝા ફ્રી કરી નાખ્યા છે. દુબઈ તો છે જ.’  

મુલુંડનાં ઝરણા રવાસાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લોકોનું માઇન્ડસેટ બદલાયું છે. અત્યારના યંગસ્ટર્સ પૈસો ભેગો કરીને પાંચ વર્ષ બાદ લાઇફ સેટ થયા પછી ફરીશું એમ નથી વિચારતા. તેઓ આજે શું થઈ શકે અને ક્યાં ફરી શકાય એમ છે એવું વિચારી એન્જૉય કરે છે. એ લોકો નવી-નવી જગ્યાઓ એક્સપ્લોર કરવા આતુર હોય છે. દિવાળીમાં કાશ્મીર, કેરલા, રાજસ્થાન હિટ હોય છે. રાજસ્થાનમાં દિવાળીમાં અને શિયાળામાં જ ફરી શકાય છે એટલે લોકોનો ધસારો રહે છે. કાશ્મીરમાં હવે લોકો પહેલાં કરતાં વધુ સેફ ફીલ કરે છે. પહેલાં અમે એજન્ટો પણ શ્યૉર નહોતા કે જે કહી છે એ સર્વિસ પૂરી પાડી શકીશું કે નહીં? એથી અમે પણ ઘણી વાર અવૉઇડ કરતા. જોકે હવે એવું નથી. મોદીસાહેબે જ્યારથી ૩૭૦મી કલમ રદ કરી છે ત્યાર બાદ ટૂરિસ્ટો વધ્યા છે. પહેલાં લોકો કાશ્મીર અવૉઇડ કરતા હતા, પણ હવે જાય છે. નૉર્થનાં બીજાં કેટલાંક ડેસ્ટિનેશનમાં ફ્લડને કારણે ટ્રાફિક ઓછો છે. બીજી એક આડ વાત કે આજે મોટા ભાગના લોકો પાસે સ્માર્ટફોન છે. ઘરની ગૃહિણી પણ ઘરમાં બેઠાં-બેઠાં રીલ્સ જુએ છે, બ્લૉગ જુએ છે. એથી તેમને પણ એ જગ્યાઓ પર ફરવા જવાનું મન થાય છે. એ લોકો કહે છે કે અમારે પણ કાશ્મીર જવું છે, ફોટો પાડવા છે અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર મૂકવા છે. આમ ગૃ​હિણીઓ અને એજેડ લોકો પણ હવે ટૂર કરવા માંડ્યાં છે. એ લોકો તેમના જેવા લોકો સાથે અને ફ્રેન્ડ્સ સાથે જાય છે અને વધારે એન્જૉય કરે છે. ઇન્ટરનૅશનલ ટૂરમાં હવે લોકો આઇસલૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ જેવી જગ્યાઓ પર પણ જાય છે. પહેલાં કોઈ ત્યાં જતું નહોનું. પહેલાં સૌથી મોટો ઇશ્યુ વેજ ફૂડનો હતો, પણ ત્યાંના હોટેલિયર્સ સમજી ગયા છે કે જો ઇન્ડિયન અને ખાસ કરીને ગુજરાતી ટૂરિસ્ટો જેઓ પૈસા ખર્ચી જાણે છે તેઓ જોઈતા હોય તો વેજ ફૂડ આપવું જ પડશે. એટલું જ નહીં, હવે તો એ લોકો જૈન ફૂડ પણ આપતા થઈ ગયા છે.’

ઇન્ટરનૅશનલ ટૂરનું જ આયોજન કરતી કુલિનકુમાર હૉલિડેઝ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ‘દિવાળીમાં સાઉથ આફ્રિકા, ન્યુ ઝીલૅન્ડ અને ટર્કી તરફ ટૂરિસ્ટોનો ફ્લો છે. માન્યું કે વૉરની થોડી અસર હોય, પણ એ જનરલી ટૂરિસ્ટ-સ્પૉટ પર નથી હોતી. એ ખાસ કરીને બૉર્ડર વિસ્તારમાં જોવા મળતી હોય છે. વળી ત્યાંની ગવર્નમેન્ટ પણ ટૂરિઝમને સપોર્ટ કરતી હોય છે એટલે બહુ વાંધો નથી આવતો. દિવાળીમાં અમારી ટર્કીની ચાર ટૂર છે.  ટૂરિસ્ટોને તકલીફ નથી પડતી.’

નીમ હૉલિડેઝની સેલ્સ ટીમની શબનમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરવા નીકળેલા લોકોને પીસ ઑફ માઇન્ડ જોઈતી હોય છે. અમે યુરોપની ટૂર કરીએ છીએ, પણ લોકો જ્યારે ફૅમિલી સાથે નીકળવાના હોય ત્યારે તેમને થોડીઘણી ચિંતા તો હોય જ છે એટલે પૂછી લે છે કે સેફ છે? કોઈ પ્રૉબ્લેમ તો નહીં થાયને? એક વાર તેમને ખાતરી થઈ જાય પછી વાંધો નથી આવતો. યુરોપે તો ૨૦૨૪ની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ટૂરિસ્ટો માટે હેલ્પફુલ એવી પૉલિસી બનાવવા માંડી છે.’  

બબલગમ ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના ભૌમિક શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બિહાર અને ઝારખંડમાં આવેલા જૈનોના પાવન ​તીર્થ ગણાતા શિખરજીની યાત્રાની ડિમાન્ડ દિવાળીમાં ખાસ રહે છે. આ ઉપરાંત હિમાચલની સ્પીતિ વૅલી પણ હવે હિટ છે. કુલુ-મનાલી અને અન્ય સ્થળોએ ડિસેમ્બર પછી સ્નોફૉલ જોવા મળતો હોય છે, જ્યારે સ્પીતિ વૅલીમાં દિવાળીમાં પણ સ્નોફૉલ હોય છે. વળી હજી એ અનએક્સપ્લોર ડેસ્ટિનેશન છે. બહુબધા ટૂરિસ્ટોને એની હજી જાણ નથી. કાશ્મીર, રાજસ્થાન, કેરલા તો દિવાળીમાં હિટ હોય જ છે; પણ ત્યાં હવે ટૂરિસ્ટોની બહુ જ ગિરદી થઈ જતી હોવાથી કેટલાક ટૂરિસ્ટો ઓછા જાણીતા ડેસ્ટિનેશન પર જવા લાગ્યા છે. તેમને શાંતિ જોઈએ છે અને ઘોંઘાટથી દૂર રહેવું હોય છે. ઇન્ટરનૅશનલ સર્કિટમાં વિયેટનામ હિટ છે અને હવે લોકો મિડલ ઈસ્ટ અને યુ​રોપની વચ્ચે આવેલા અઝરબૈજાનના બાકુમાં આવેલો મડ વૉલ્કેનો જોવા જવા લાગ્યા છે. લોકોને હવે કશુંક નવું જાણવા અને જોવામાં રસ વધ્યો છે.’  

diwali jammu and kashmir travel travel news mumbai mumbai news narendra modi bakulesh trivedi