દિશા સાલિયાનનાં માતા-પિતાએ કરી રાષ્ટ્રપતિને પત્ર લખીને નારાયણ રાણે અને નીતેશ સામે કાર્યવાહીની માગણી

26 March, 2022 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સાથે તેમણે ન્યાય મેળવવા સંબંધિત વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવાનો હુકમ આપવાની રાષ્ટ્રપતિને વિનંતી કરી હતી

દિશા સાલિયાન

સેલિબ્રિટી મૅનેજર દિશા સાલિયાનનાં માતા-પિતાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને તેમની પુત્રીના મોત અંગે ખોટા સમાચાર ફેલાવવા બદલ અને પરિવારને બદનામ કરવા બદલ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે, તેમના પુત્ર નીતેશ તથા અન્ય લોકો સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે.

દિશા સાલિયાનનાં પિતા સતીશ સલિયાન અને માતા વાસંતીએ જણાવ્યું હતું કે જો અમને ન્યાય નહીં મળે તો અમારી પાસે જીવન ટૂંકાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં બચે. દિશા બૉલીવુડની અન્ય હસ્તીઓ ઉપરાંત સુશાંત સિંહ રાજપૂતની મૅનેજર તરીકે કામ કરતી હતી.

સતીશ અને વાસંતી સાલિયાને પત્રમાં દાવો કર્યો છે કે ‘નારાયણ રાણે અને નીતેશ રાણે જેવા કેટલાક રાજકારણીઓ ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે સાથેની દુશ્મનાવટને પગલે પોતાનાં હિતો સાધવા આ મામલામાં કૂદી પડ્યા હતા. તેમણે અમને રાજકીય લડાઈમાં ઘસડીને અમારું જીવન યાતનામય બનાવી દીધું છે. રાણે પિતા-પુત્ર પાસે કોઈ પુરાવા નથી અને હકીકત અમારી જાણમાં છે. અમે સારી રીતે જાણીએ છીએ કે તેઓ કોઈ સાબિતી આપી શકે એમ નથી, કારણ કે તેઓ જુઠ્ઠા છે અને (મુંબઈ) પોલીસને નહીં, બલ્કે સીબીઆઇને પુરાવા આપવાની ખોટી દલીલો કરી રહ્યા છે.’

આ સાથે તેમણે ન્યાય મેળવવા સંબંધિત વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવાનો હુકમ આપવાની રાષ્ટ્રપતિને વિનંતી કરી હતી.

mumbai mumbai news narayan rane nitesh rane ram nath kovind