12 December, 2024 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્યમાં મહાયુતિ સરકારે હજી પ્રધાનમંડળની રચના નથી કરી, પણ એ પહેલાં ઑપરેશન લોટસની ચર્ચાએ જોર પકડ્યું છે. એવું કહેવાય છે કે મહા વિકાસ આઘાડીના અમુક સંસદસભ્યો અને વિધાનસભ્યો ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાશે. કૉન્ગ્રેસના અમુક નેતાઓએ તો એવું કહેવાનું શરૂ કરી દીધું છે કે અમારી પાર્ટીમાં અમારું કંઈ ભવિષ્ય નથી.
જોકે આ બાબતે કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે ‘ઑપરેશન લોટસની ચર્ચાનો કોઈ અર્થ નથી. તમે જોઈ લેજો શિયાળુ સત્રમાં મહાયુતિની કેવી દશા થાય છે.’
બીજી બાજુ, આ મુદ્દા પર BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે ‘અમે કોઈ ઑપરેશન લોટસ નથી કરવાના, પણ જો કોઈ અમારી પાર્ટીમાં જોડાવા માગતું હોય તો તે વેલકમ છે. આમ પણ અત્યારે કૉન્ગ્રેસમાં સંસદસભ્યો અને વિધાનસભ્યો અસ્વસ્થ છે.’
શિવસેનાના નેતાઓએ પણ એવો દાવો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતાઓ તેમની સાથે જોડાવા તત્પર છે. શરદ પવારના વિશ્વાસુ ગુલાબરાવ દેવકર પણ અજિત પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસમાં જોડાતાં બીજા નેતા પણ દાદાની પાર્ટીમાં આવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે.